Monday, October 16, 2017

આ દિવાળીએ આપે કોઈનો દિ'વાળ્યો??

“… દિવાળી અર્થાત …”

એ દિવસે દિવાળી અને અમદાવાદમાં રસ્તા ઉપર હૈયે-હૈયા-દળાય એવી ભીડ … તેથી લાલદારવાજાથી બસ મળવી મુશ્કેલ હશે … એટલે ‘મા’ અને (5-વર્ષનો) હું, ભદ્રથી અખંડ-આનંદના રસ્તે એલિસબ્રિજ તરફથી ચાલતા ટાઉનહોલના હેવમોરવાળા રસ્તે થઇ માદલપુર-ગરનાળા તરફ ચાલતા આવતા હતા …. રસ્તામાં અમે રીક્ષા કરી લેવા માટે ઘણી જિદ્દ કરી … પરંતુ ‘મા’ કહે – “થોડુંક ચાલી નાખીએ એટલે બસ-સ્ટોપ આવશે … બસ મળતી હોય તો રીક્ષા ના કરાય …” …. અને જેવા સિલ્વર-આર્ક-એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા ત્યાં … દીવાલનાં ટેકે એક મજુર-વર્ગની સ્ત્રી ધીમે-ધીમે ડુસકા-ભરતી રોતી હતી … તેનો ડાબો-પગ, ઘૂંટી આગળથી ફાટી ગયેલો અને લોહી ધીમે-ધીમે નીકળતું હતું ….


‘મા’એ તેને પુંછ્યું- “શેનો એક્સીડેન્ટ થયો?” …
મજુર-સ્ત્રી – “મુ રહતો ઓડંગટી હુતી .. ન’ રીકશો પગ પર પાસરથી ભટકાઈયો …” … તેનું ધીમું-ધીમું રુદન ચાલુ હતું …


ક્ષણનો પણ વિચાર કર્યા વગર ‘મા’એ તરત રિક્ષા રોકી … તેમાં તેને પોતાના ખંભાનો ટેકો આપી બેસાડી અને … અમે ગયા વાડીલાલ હૉસ્પિટલની સામે આવેલા ફેમસ-હાડવૈદ્યના દવાખાને … ત્યાં તે મજુર-સ્ત્રીના પગની તાપસ અર્થે તે તેની બાજુમાં બેસી… નિદાન અનુસાર પાટો બંધાવ્યો, તેની દવાના રૂપિયા ચૂકવી …. અને અમે ખરીદેલી મિઠાઈમાંથી એક નાનું-પેકેટ તેને આપી … તેને ‘મા’ એ કહ્યું – “ચિંતા ના કરતી … બધું સારું-જ થશે … હવે દિવાળીનું ઘરકામ તારા વરને કરવા કહેજે …”


… સાંભળીને પેલી મજુર-સ્ત્રી પોતાનું દર્દ ભૂલીને હસી પડી … તેના મંદ-હાસ્યમાં આભાર-ભાવ હતો … એને ફરીથી ખંભાનો ટેકો આપી …. ત્યાંથી બીજી રીક્ષા રોકી અને રીક્ષાવાળાને અગાઉથી 10-રૂપિયાની નોટ આપી તે મજૂર-સ્ત્રીને તેના નિવાસ-સ્થાને ઉતારવા કહ્યું … પેલી મજુર-સ્ત્રી આંખમાં પાણી સાથે કહે – “રહેંવા દેવ બૂન …મુ જતી ર’યે …” …


‘મા’ સમજાવતા કહ્યું – “એમ ના હોય બે’ન … તારા બાળકો વાટ જોતા હશે … હવે તું જલ્દી પહોંચ દિવાળી મનાવવા તારા ઘરે …. અને આ પગનું બરાબર 1-મહિનો ધ્યાન રાખજે ….” …
અને આંખમાં ઝળઝળિયાં અને હોઠે મુસ્કાન સાથે અહોભાવ ભરી નજરે પેલી મજુર સ્ત્રી રિક્ષામાં જતા ‘મા’ અને હું જોઈ રહયા …
.
મેં પાછી જિદ્દ ચાલુ કરી … “ચલ રીક્ષા કરી લઈએ …”
અને ‘મા’ કહે – “હા … આપણને પણ હવે મોડું થઇ ગયું … ચાલો જલ્દી ઘરે જઈએ …”…
તરત રીક્ષા ઉભી રાખી … અમે તેમાં બેસી ગયા … બેસતા-જ મેં ‘મા’ને પૂછ્યું – “પહેલા કેમ રીક્ષા ના કરી …?…અને પેલી બાઈ’ને કેમ રીક્ષા તરત કરી આપી?? … જા… તું તો સાવ એવી-જ છે …” … અમારું મોઢું ગુસ્સામાં ફૂલી ગયું …


મને સમજાવતા ‘મા’એ જે કહ્યું તે અમારા દિલ-મસ્તિષ્કમાં આજે પણ અંકાયેલું છે – “… દીકરા … જરૂરત-મંદના ઘરે દીવો થાય … તેમનું દુ:ખ દૂર થાય તો-જ તે “દિ’ વાળ્યો કહેવાય” …. બીજાના દુ:ખ દૂર કરીને તેમનો દિ’ વાળવો અને એના ઘરે દીવો પ્રગટાવો એનું નામ “દિવાળી” …”
(સત્ય ઘટના શબ્દબીજ :- જ્યેન્દ્ર આશરા, રજુઆત:- કાર્તિક શાહ )

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...