Monday, October 16, 2017

ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં...

મંદિરના પગથિયે એક યુવાન બેશુદ્ધ બનીને પડ્યો હતો. યુવાનનો વિલાયેલો ચહેરો, અને બંધ આંખો, બેસી ગયેલા ગાલ, સપાટ પેટ જોઈને ખ્યાલ આવી જાય કે એ કેટલાય દિવસનો ભૂખ્યો હશે. મંદિરમાંથી પૂજારીનાં પત્ની બહાર આવ્યાં. તેણે પેલા યુવાનની હાલત જોઈ. એ પાણીનો લોટો લઈને યુવાનની પાસે ગયાં. એના શરીર પર, મોં પર, પાણીની છાલક મારી, પવન નાખવા લાગ્યાં. થોડી વારમાં પેલો યુવાન ભાનમાં આવ્યો. એણે આંખો ખોલી. પૂજારીનાં પત્નીએ યુવાનને ટેકો આપ્યો અને મંદિરમાં લઈ ગયાં. ભગવાનને ભોગ ધરાવેલો, પ્રસાદ પડ્યો હતો. એમાંથી થોડોક પેલા યુવાનને આપ્યો, જે ખાવાથી યુવાનમાં કંઈક શક્તિનો સંચાર થયો.
ત્યાં પૂજારી પણ આવી ગયા. યુવાનને સચેત થયેલો જોઈને પૂછ્યું, ‘ભાઈ, તું ક્યાંથી આવે છે ? અને તારી આવી હાલત શાથી થઈ ?’

યુવકે ધીમા સ્વરે કહ્યું : ‘શિવપુરથી હું આવ્યો છું. ચાર દિવસથી મોમાં અનાજનો કણ પણ ગયો નથી. ચાલતાં ચાલતાં અશક્તિને કારણે ચક્કર આવતાં મંદિરને પગથિયે જરા વિસામો ખાવા બેઠો ત્યાં ક્યારે બેશુદ્ધ થઈ ગયો એની ખબર રહી નહીં.’
પૂજારી ઊંડા વિચારમાં પડી ગયા. પછી પૂછ્યું : ‘આમ રખડવા માટેનું કોઈ કારણ ?’ ‘સ્વર સાધના માટે…’ યુવાને જવાબ આપ્યો.
યુવાનના મુખ પર દષ્ટિ નાખતાં તેજસ્વી મુખમંડળવાળા પૂજારીજીએ કહ્યું : ‘તો તું કલાની સાધના કરવા ઈચ્છે છે ?’

હા, એવું જ.’ યુવાન બોલ્યો.
‘તું જાણે છે કલાની સાધના એની સીમામાં રહીને જ કરવાની હોય છે ? ત્યારે જ સાચા અર્થમાં કલાકાર બની શકાય છે.’ થોડી વાર મૌન રહ્યા બાદ પૂજારીજીએ કહ્યું : ‘યુવાન, સામે નજર કર. નદી દેખાય છે ?’
યુવાન બોલ્યો : ‘જી હા.’
‘સામે ગંગા વહેતી દેખાય છે ને ? તેને બે કિનારા છે. જ્યારે તે સીમાની અંદર વહેતી હોય છે ત્યારે કેટલી શાલીન, સુખદાયી અને શાંતિદાયક લાગે છે ! કેટલાય લોકોને પ્રેરણા આપે છે. ગંગાતટે અનેક લોકો ધ્યાન ધરે છે અને અદ્દભુત શક્તિની, શાલીનતાની અનુભૂતિ કરવા માટે દરરોજ પ્રયત્નો કરે છે. હજારો યાત્રીઓ ગંગાનાં દર્શન માટે આવે છે. જે આ ક્ષણે આનંદ આપતી જણાય છે. આ જ ગંગા જ્યારે પોતાની મર્યાદા છોડી, અનુશાસન તોડે, ત્યારે પૂર જેવી આફત રચીને વિનાશ કરે છે. આવું જ કલાકાર માટે છે. કલાકારની કલા અને તેનામાં ઘણી સમાનતા છે.’
પૂજારીએ થોડી ક્ષણનો વિરામ લઈને વાણીને મુખરિત કરી : ‘કલા શાલીનતાનું બીજું નામ છે; ઉચ્છુંખલતા નહીં. મનોરંજનના નામે જે નિંદા કરવી, કુચેષ્ટા પેદા કરવી એ યોગ્ય નથી. જેમાં સાત્વિકતા હોય, સદાચારની પ્રેરણા હોય, મનને શાંતિ આપે, મગજમાં સ્ફૂર્તિ આપે, હૃદયમાં ઉત્સાહ ઉત્પન્ન કરે, જેમાં સન્માર્ગે લઈ જવાનું સામર્થ્ય હોય, ઉદ્ધારક હોય, માનવીય સંવેદના પેદા કરવાની અપૂર્વ ક્ષમતા હોય, એને જ સાચા અર્થમાં કલા કહેવાય. કલા એ સંગીત, નૃત્ય, ચિત્ર કે પછી સાહિત્યરૂપે હોય. કલાનાં વિવિધ રૂપો હોય તેમ છતાં કોઈ અંતર પડતું નથી. કેમકે એનો ઉદ્દેશ એક જ છે : સંવેદના ખીલવવી, સદભાવના જગાડવી, એનાથી કંઈ પણ ઓછું હોય તે ન તો કલા કહેવાય કે ન તો તેનો કર્તા કલાકાર. બોલો આટલા કઠોર અનુશાસનની સાધના કરી શકશો ?’ પૂજારીજીની ગંભીર વાણી સંભળાઈ.
અવશ્ય.’ યુવાનની વાણીમાં દ્રઢતા ભળી હતી.
પૂજારીજી બોલ્યા : ‘તો પછી યુવાન, તું જરૂર સફળ થઈશ. પ્રસ્થાન કર, જા. મારા આશીર્વાદ તારી સાથે જ છે. તારી કલા સાધનામાં તું જરૂર પારંગત બનીશ.’ પૂજારીજીએ આશીર્વાદની મુદ્રામાં એમના બંને હાથના પંજા ઊંચા કર્યા.
યુવાન પૂજારીજીની વાણીથી ભાવવિભોર બની ગયો. એણે પૂજારીજી અને એમનાં પત્નીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી ત્યાંથી વિદાય થયો. આગળ જતાં એ સિદ્ધિને પામ્યો અને સંગીતજ્ઞ ઉસ્તાદ અલાઉદ્દીન ખાનના નામે વિખ્યાત થયો. જે મંદિરના પગથિયે પેલો યુવાન બેશુદ્ધ બનીને પડ્યો હતો એ મંદિર હતું કલકત્તાનું દક્ષિણેશ્વર મંદિર. પૂજારીજીનાં પત્ની કે જેમણે એ યુવાનને ભાનમાં આણ્યો એ હતાં મા શારદામણિ દેવી.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...