Thursday, June 8, 2017

શ્રીમાન અને શ્રીમતી લેલેન્ડ સ્ટેનફોર્ડ


બાહ્ય દેખાવ પરથી કોઈની હેસિયત ન માપો..

એક દિવસ એક મહિલા તેના પતિ સાથે ડરતાં ડરતાં હાર્વર્ડ યુનિવર્સિટીની ઓફિસમાં ગઈ.. તેમણે સાવ લઘરવઘર કપડાં પહેર્યાં હતાં.. તેમણે આ વિશ્વવિદ્યાલયના પ્રમુખને મળવા માટે પહેલેથી સમય લીધો ન હતો..

સેક્રેટરીએ તેમને ઓફિસમાં પ્રવેશતા જોયા.. તેમનો વેશ જોઈને તેણે મનમાં વિચાર્યું, “દેશના આવા પછાત લોકો જેની લાયકાત પણ નથી તેમનું હાર્વર્ડ યુનિવર્સિટીમાં શું કામ છે..??"

“અમારે વિશ્વવિદ્યાલયના પ્રમુખને મળવું છે..” તે માણસે ઘણા જ નરમ અવાજે કહ્યું.. સેક્રેટરીએ તરત જ જવાબ આપ્યો, “તેઓ આજે આખો દિવસ કામમાં ખૂબ જ વ્યસ્ત છે..” આ સાંભળીને મહિલાએ જવાબ આપ્યો, “અમે તેમની રાહ જોઈશું..” થોડા કલાકો સુધી સેક્રેટરીએ તેમની તરફ આંખ આડા કાન કર્યા, તેને થયું તેઓ કંટાળીને જતા રહેશે.. પણ તેઓ ન ગયા.. તેથી સેક્રેટરીએ કંટાળીને પ્રમુખને જાણ કરવાનું નક્કી કર્યું.. તેણે પ્રમુખને કહ્યું, “તમે જો કદાચ થોડી મિનિટ તેમને મળી લો તો તેઓ જતા રહેશે..” પ્રમુખ મોઢા પર કઠોરતાના ભાવ સાથે ખૂબ અભિમાનથી તેમની તરફ ગયા..

તે મહિલાએ પ્રમુખને કહ્યું, “અમારો દીકરો હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક વર્ષ ભણ્યો હતો.. તેને અહીંયા ભણવાની ખૂબ જ મજા આવી હતી.. તે ખૂબ જ ખુશ હતો.. પણ આશરે એક વર્ષ પહેલાં અકસ્માતે તેનું મૃત્યુ થયું હતું.. તેની યાદમાં આ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં એક સ્મારકનું નિર્માણ કરવાની અમારી ઈચ્છા છે..”

આ સાંભળીને પ્રમુખે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો, “અમે જે કોલેજના વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તેમની યાદમાં અહીંયા પૂતળું નથી બાંધતા.. જો અમે તેમ કરીએ તો આ જગ્યા સ્મશાનમાં પરિવર્તિત થઈ જાય..” તે મહિલાએ તરત જવાબ આપ્યો, “અરે ના ના, અમારે અહીંયા તેનું પૂતળું નથી મૂકાવવું.. અમારે તો તેની યાદમાં હાર્વર્ડ યુનિવર્સિટીને એક મકાન ભેટમાં આપવું છે..”

આ સાંભળીને પ્રમુખ સ્તબ્ધ થઈ ગયા.. તેઓ આ લઘરવઘર કપડાં પહેરેલ દંપતિ સામે ટગર ટગર જોઈ જ રહ્યા.. તેમના મોઢામાંથી ઉદગાર સરી પડ્યા, “મકાન..?? તમને અંદાજો પણ છે કે એક મકાનની કિંમત શું હોય..?? આ બધા મકાનોની કિંમત ૭૫ લાખ ડોલર છે..!!"

એક પળ માટે તે મહિલાને ચૂપ થયેલી જોઈને પ્રમુખને શાંતિ થઈ.. તેણે વિચાર્યું, “હાશ, મને હવે આ લોકોથી છુટકારો મળશે..”

તે મહિલાએ પોતાના પતિને શાંતિથી કહ્યું, “શું યુનિવર્સિટી શરૂ કરવા માટે આટલો જ ખર્ચ થશે..?? તો આપણે આપણી મેળે જ એક નવી યુનિવર્સિટી ખોલીએ..”

તેના પતિએ માથું હલાવીને હા પાડી.. પ્રમુખના મોઢા પરથી નૂર ઊડી ગયું..
તેમને અકળામણ થવા લાગી અને તેઓ મૂંઝાઈ ગયા..
શ્રીમાન અને શ્રીમતી લેલેન્ડ સ્ટેનફોર્ડ ઊભા થયા અને ચાલવા લાગ્યા..

તેઓ પાલો અલ્ટો, કેલિફોર્નિયા ગયા.. જ્યાં તેમણે પોતાના પુત્રની યાદમાં પોતાનું નામ ધરાવતી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્થાપના કરી..

મોટે ભાગે આપણે લોકોને તેમના બાહ્ય દેખાવ પરથી પરખવાની કોશિશ કરીએ છીએ.. જે આપણને ગેરમાર્ગે દોરે છે..

આપણા ખોટા મંતવ્યને કારણે આપણે લોકો સાથે સારું વર્તન નથી કરતા અને વિચાર્યે છીએ કે તેઓમાં કંઈ સારું કામ કરવાની, કોઈને મદદ કરવાની ક્ષમતા જ નથી..
ઘણીવાર આપણા આવા વર્તન અને વિચારોને કારણે આપણે સારા મિત્રો, સારા કર્મચારીઓ કે સારા ગ્રાહકો ગુમાવીએ છીએ..

આપણને જીવનમાં ભાગ્યે જ એવા લોકો મળે છે, જેમની સાથે આપણે ખુલ્લા દિલથી ચર્ચા કરી શકીએ છીએ.. પણ આપણામાં રહેલા અહમને કારણે આપણે તે તક સદાને માટે ગુમાવીએ છીએ..

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...