Friday, June 23, 2017

ગુસ્સા પર સંયમ


ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો ..!

એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઊભો રહ્યો.
એ વખતે કૅશિયર થોડે દૂર સ્ટાફના બીજા મિત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બિઝી હતો. પંદર-વીસ મિનિટ સુધી પેલો માણસ રાહ જોતો રહ્યો. તે મનમાં અકળાઈ રહ્યો હતો : કૅશિયર કેવો બિનજવાબદાર છે ! દૂરથી તેને કાઉન્ટર પાસે ઊભેલો આ માણસ દેખાતો હતો છતાં તેને કશી પરવા નહોતી. ડ્યૂટી-અવર્સ દરમ્યાન સ્ટાફમિત્રો ગપ્પાં મારીને ક્લાયન્ટને હેરાન કરે એ નિયમવિરુદ્ધ હતું.

પેલા માણસનો રોષ વધતો જતો હોવા છતાં તે ખામોશ રહ્યો. તેણે વિચારી લીધું કે આ કૅશિયરને અવશ્ય પાઠ ભણાવવો પડશે. એ દિવસે પૈસા લઈને તે કશું જ બોલ્યા વગર ઘરે પાછો આવ્યો. પછી તેણે કૅશિયરના નામે બૅન્કના સરનામે એક સાદો પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ પણ પ્રકારનો રોષ ન આવી જાય એની તેણે ચીવટ રાખી.

તેણે માત્ર એટલું જ લખ્યું હતું, ‘ગઈ કાલે હું મારા સેવિંગ્સ અકાઉન્ટમાંથી રકમ ઉપાડવા બેન્કમાં આવ્યો ત્યારે તમે તમારા સ્ટાફમિત્રો સાથે કશીક અગત્યની ચર્ચામાં મગ્ન હતા, છતાં મને માત્ર પચ્ચીસ મિનિટમાં જ રકમ મળી ગઈ. બીજી કોઈ બેન્કમાં મારે આ કામ કરાવવાનું હોત તો ત્યાંના કૅશિયરની બેફિકરાઈ અને બિનજવાબદારપણાને કારણી મારે ઘણો વધારે સમય કદાચ રાહ જોવી પડી હોત. તમે ચર્ચા અધૂરી મૂકીને આવ્યા અને મને રકમ આપી એમાં તમારી નિષ્ઠા અને સદ્ભાવ મને દેખાયાં. હું તમારો આભાર માનું છું અને તમારી ફરજ નિષ્ઠાને બિરદાવું છું.

પોતાનું નામ, અકાઉન્ટ નંબર વગેરે લખ્યાં, પછી પત્ર પોસ્ટ દ્વારા મોકલી આપ્યો.

એકાદ અઠવાડિયા પછી આ માણસ બૅન્કમાં ગયો ત્યારે પેલો કેશિયર ખૂબ ગળગળો થઈને તેને ભેટી પડ્યો, પોતાની બેદરકારી માટે માફી માગી અને ફરીથી કોઈની સાથે એવી બિહેવિયર નહિ કરવાની ખાતરી ઉચ્ચારી.

ગુસ્સે થઈને ગાળો બોલી શકાય, તેનું ઈન્સલ્ટ કરી શકાય, તેને નિયમો અને કાનૂન વિશે મોટા અવાજે વાત કરીને ઉતારી પાડી શકાય, થોડીક વાર માટે પોતાનો રુઆબ બતાવી શકાય, ત્યાં ઊભેલા અન્ય અજાણ લોકો ઉપર વટ પાડી શકાય; પણ આ બધું કર્યા પછીયે કૅશિયરને સુધારી શકાયો ન હોત. કદાચ તે વધુ બેફામ અને બેદરકાર એટલે કે નફ્ફટ થઈ ગયો હોત. પણ આ સફળ ઉપાય હતો.

આવી જ એક બીજી ઘટના છે. એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’

શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.

કોઈ પણ વ્યક્તિને પોતાની એપ્રીસિએશન થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરૂર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ.

દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સિમ્પલ લૉજિક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવિશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ!

અને છેલ્લે...
"ગુસ્સા પર સંયમ"- શિર્ષક એટલે આપેલું છે કે મારા માટે એ ખૂબ જ કઠિન છે. આપ જેવા સંયમી લોકો માટે સરળ લાગતી આ ચીજ આત્મસાત કરવી અઘરી છે...અને આ શિર્ષક મને એની યાદ આપવતું રહે એ હેતુ સર એ નામકરણ કરેલું છે. વધુમાં....એટલું કહીશ કે,
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે. સમુદ્ર બની ને શું ફાયદો, બનવું હોય તો "નાનું તળાવ" બનો; જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...