Sunday, June 4, 2017

ગુણ-એક અવસ્થા

સદગુણોની સાચવણી દુર્ગુણોથી બચાવે

એક માણસ શાંતિની શોધ માટે ભટકી રહ્યો હતો. એકવાર જંગલમાંથી પસાર થતી વખતે રસ્તામાં આ માણસને ચાર સ્ત્રીઓ મળી. માણસે આ ચારે સ્ત્રીઓને એમનો પરિચય આપવા વિનંતી કરી.

પહેલી સ્ત્રીએ કહ્યુ , ” હું બુધ્ધિ છું અને માણસના મગજમાં રહુ છું.” બીજી સ્ત્રીએ કહ્યુ , ” હું લજ્જા છું અને માણસની આંખમાં રહું છું.” ત્રીજી સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યુ, ” હું હિંમત છું અને માણસના હદયમાં રહું છું.” અને છેલ્લે ચોથી સ્ત્રીએ કહ્યુ, ” ભાઇ હું તંદુરસ્તી છું અને હું માણસના પેટમાં રહું છું.”

આ ચાર સ્ત્રીઓના પરિચય પછી માણસ વિચારવા લાગ્યો કે જો મારી પાસે બુધ્ધિ , લજ્જા , હિંમત અને તંદુરસ્તી હોય તો મને શાંતિ મળવી જોઇએ પણ મને શાંતિ મળતી કેમ નથી ? હજું તો વધુ આગળ જાય એ પહેલા જ માણસને રસ્તામાં ચાર પુરુષો પણ સામા મળ્યા. માણસે આ ચારે પુરુષોને એમનો પરિચય આપવા કહ્યુ.

પહેલા પુરુષે કહ્યુ , ” હું ક્રોધ છું અને માણસના મગજમાં રહુ છું “. બીજા પુરુષે કહ્યુ , ” હું લોભ છું અને માણસની આંખમાં રહું છું.” ત્રીજા પુરુષે કહ્યુ, ” હું ભય છું અને માણસના હદયમાં રહું છું.” અને છેલ્લે ચોથા પુરુષે પોતાની ઓળખાણ આપતા કહ્યુ , ” મિત્ર , હું રોગ છું અને હું માણસના પેટમાં રહું છું.”

માણસે આશ્વર્ય સાથે કહ્યુ, ” તમે બધા જ ખોટુ બોલો છો કારણકે તમે રહેવા માટેના જે ઠેકાણા બતાવ્યા ત્યાં તો બધી સ્ત્રીઓ રહે છે.” પહેલા પુરુષ એટલે કે ક્રોધે માણસને કહ્યુ, ” ભાઇ તારી વાત સાચી છે. પણ અમે જ્યારે આવીએ ત્યારે સ્ત્રીઓ તે ઠેકાણું ખાલી કરીને જતી રહે છે. મગજમાં બુધ્ધિ જ રહે છે પણ હું આવુ એટલે બુધ્ધિ જતી રહે એવી જ રીતે મારા આ ત્રણ મિત્રોના આગમન સાથે જ લજ્જા , હિંમત અને તંદુરસ્તી જતા રહે છે. ”

મિત્રો, સદગુણો તો આપણામાં જન્મજાત જ છે એને કેળવવા કે લાવવાની જરુર જ નથી. પણ જ્યારે દુર્ગુણો આવે છે ત્યારે સદગુણો વિદાય લઇ લે છે અને દુર્ગુણો પોતાના કબજો જમાવી  બેસે છે માટે દુર્ગુણોને આવતા  જ અટકાવવા તો સદગુણો જતા બચી જશે. ...

સંકલિત...કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...