Saturday, June 3, 2017

કળિયુગનો ભસ્માસુર: મોબાઈલ

કડવું છે પણ સત્ય છે. સમય કાઢીને અવશ્ય વાંચજો.

આજના વિદ્યાર્થીઓના હાથમાં મોબાઇલ જોઇને વિષ્ણુપુરાણમાં આવતી ભસ્માસુર રાક્ષસની કથા યાદ આવે છે.

ભસ્માસુર રાક્ષસે આકરુ તપ કરીને ભગવાન શીવ પાસેથી એવુ વરદાન પ્રાપ્ત કર્યુ કે એ જેના માથા પર હાથ મુકે એ બળીને ભસ્મ થઇ જાય. ભસ્માસુરે આ વરદાન બીજાને ભસ્મ કરવા માટે મેળવ્યુ હતું પણ પોતે મેળવેલા વરદાનથી એ જ બળીને ભસ્મ થઇ ગયો. ભગવાન વિષ્ણુએ મોહીની રુપ લઇને ભસ્માસુર પાસે નૃત્ય કરાવ્યુ અને નૃત્ય કરતા કરતા ભસ્માસુરે પોતાના હાથ પોતાના જ માથા પર મુક્યા અને એ બળીને ભસ્મ થઇ ગયો.

આ જ ઘટનાને મોબાઇલ યુગ સાથે સરખાવીએ તો તપ કરીને (સંશોધન કરીને) માનવ જાતે મોબાઇલ રુપી વરદાન મેળવ્યુ. આ વરદાનથી પોતાની જાતને વધુ મજબુત કરવાની હતી એના બદલે મોબાઇલના મોહીની રુપમાં ભાન ભુલેલા માણસે પોતાની જાતને જ ખતમ કરી નાંખી છે.

આજની યુવા પેઢી મોબાઇલનો એવો શીકાર બની ચુકી છે કે એને પોતાની કારકીર્દી કે ભવિષ્યની કોઇ જ ચિંતા નથી. હમણા જાહેર થયેલા ધો.10 અને ધો.12ના પરિણામો ઘણું કહી જાય છે. થોડા વિદ્યાર્થીઓ બહુ સારા ટકા લાવે છે પણ શાળાઓ દ્વારા એને એટલા હાઇલાઇટ કરવામાં આવે છે કે માંડ માંડ પાસ થયેલા વિદ્યાર્થીઓની બહુ મોટી સંખ્યા દબાઇ જાય છે. ભારત પાસે યુવાનોનો ઢગલો છે પણ અપવાદોને બાદ કરતા બાકીના બધા ઢગલાના ઢ જેવા છે.

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વળી મોબાઇલની શું જરુર પડે ? એને એવો તે ક્યો ધંધો કરવાનો છે કે મોબાઇલ વગર ન ચાલે ? અરે કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે જે એક કરતા વધુ મોબાઇલ રાખે છે. આ મોબાઇલનો જીવન ઘડતર માટે ઉપયોગ થયો હોય તો કોઇ જ વાંધો નથી પણ મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઇલની મોહિની જાળમાં ફસાઇને એના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે.

અપવાદને બાદ કરતા કોઇ વિદ્યાર્થીઓને પોતે જે ભણે છે એનું પણ જ્ઞાન નથી. માત્ર એકાદી નાની ચોપડી વાંચી પરીક્ષા આપે અને પાસ થઇ જાય. કોઇ પ્રોજેક્ટ કરવાનો હોય તો ગુગલની મદદથી કોઇનો પ્રોજેક્ટ ઉઠાવીને કોપી પેસ્ટ કરે. પોતાનું નવું કંઇજ નહી. સાવ રમતમાં ને રમતમાં એમ જ જીવન પસાર થાય  છે.  બસ મોજ જ કરવી છે. બાપા બિચારા રાત-દિવસ મહેનત કરીને દિકરા કે દિકરીના ઉજ્જ્વળ ભવિષ્યના સપના જોતા હોય અને આ બાપ કમાઇના બાબુડીયાવ જલસા કરતા હોય. બાપો બિચારો કામ કરી કરીને બેન્ડ વળી જાય અને આ મહારાજાઓ મેકડોનાલ્ડમાં બર્ગર ખાવા જાય.

કોલેજના ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય એના કરતા વધુ વિદ્યાર્થીઓ કોલેજેની બહાર બાઇક પર બેઠા હોય અને બધા પોત પોતાના મોબાઇલમાં બીલ ગેટસ કરતા પણ વધુ વ્યસ્ત હોય. સાવ વાહીયાત વીડીયો, ફોટો કે મેસેજ વાંચવામાંથી અને ફોરવર્ડ કરવામાંથી ફુરસદ જ નથી મળતી કે બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત થાય.

સ્ટીવ જોબ્સે આઇફોન અને આઇપેડની ભેટ આપી પણ બહુ ઓછાને ખબર હશે એ સ્ટીવ જોબ્સે એમના સંતાનો માટે આ સાધનો વાપરવા પર પ્રતિબંધ મુક્યો હતો. સ્ટીવના એક મિત્રએ જ્યારે આ બાબતે સ્ટીવને પુછ્યુ ત્યારે એણે કહેલું કે આઇપોડ અને આઇપેડ મેં સારા હેતુથી જ સમાજમાં મુક્યા છે પણ મને ખબર છે કે આ રાક્ષસ યુવા પેઢીની આંતરીક શક્તિઓને ખતમ પણ કરી શકે છે એટલે મેં મારા સંતાનો માટે એનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી હતી.

મિત્રો, આપણે ઉપયોગ બંધ નથી કરવો પણ મર્યાદાઓ તો સમજીએ. કોઇપણ બાબત મર્યાદાથી બહાર જાય એટલે એ ઝેર બની જાય છે. મોબાઇલ અને ઇન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ નહીતર ભસ્માસુરની જેમ આપણે પણ ખતમ થઇ જશુ.

સંકલિત.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...