Tuesday, March 22, 2016

કુંભાર જેવો માણસ

એક એસએમએસ:
“કુંભાર પણ કોઈ દિવસ મનમાં હસતો હશે કે માટલા પર ટકોરા મારી ચકાસતો માનવ આટલો જલ્દી કેમ તૂટી જતો હશે ?”
વાત તો સાચી છે. માણસ ક્યારેક ફટકીયા મોતીની માફક ફૂટી જાય છે. માટલુ ટકોરા ખાય છે અને ટકી રહે છે કારણ કે એને કોઈ ટકોરા મારે તે પહેલા માટીનો એ પીંડ બરાબર ગુંદાય છે. ખુંદી ખુંદીને માખણ જેવી થઈ જાય ત્યારબાદ આ માટી ચાકળે ચઢે છે. ચાકળે ચઢીને એ બરાબર ઘુમરાય છે એને ઘડવાવાળો આંગળી અને અંગૂઠાના કૌવતથી એને આકાર આપે છે. વાત આટલેથી પતતી નથી. તાજુ ઘડાયેલુ આ માટલુ સુકાવા માટે મુકાય છે. હજુ થોડો ભેજ હોય અને ફરી પાછો કુંભાર એ માટલાને પોતાના હાથમાં લઈ ટપલાથી ટીપે છે. વળી પાછું એ સૂકાય અને થોડી તાકાત પકડે એટલે એને અગ્નિપરીક્ષા માટે તૈયાર કરાય છે. ઉપરા ઉપર ખડકાયેલા માટલાની વચ્ચે કોલસી અને ઘાસ ભરાય છે અને ત્યારબાદ નિંભાડો સળગે છે. આ નિંભાડાની આગ ધુંધવાતી રહે તેવી હોય છે. દીવસોની આ ગરમી વેઠ્યા પછી માટલુ પાકીને નિંભાડામાંથી બહાર આવે છે ત્યારબાદ તરડવાળુ કે કાંકરી નીકળી ગઈ હોય એવો માલ જુદો પડાય છે અને બાકીનાને રંગ કરી વેચવા માટે તૈયાર કરાય છે. માટલુ ટકોરા ખાતુ થાય તે પહેલાં અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને એટલે એ ટકી જાય છે. માણસ આવી અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ શકે ખરો ?
સુખ અને દુઃખ એ જીવનનાં બે પાંસા છે. માણસનો મિજાજ એને દુઃખ સામે ટકરાવા માટે ઘડે છે. ક્યાંક નજર કે વિચારનો ફેર પણ એક જ પરિસ્થિતિમાં એક માણસને ખુશ રાખે છે બીજાને તોડી નાંખે છે. મારી પાસે પહેરવા માટે જોડાં નથી એમ વિચારી દુઃખી થઈ શકાય પણ ચાલવા માટે બન્ને પગ સાબુત છે એમ વિચારી ખુશ ન થઈ શકાય ? ક્યારેક એવું પણ બનતુ હશે કે પારકા ભાણે મોટો લાડુ દેખાય. માણસની સફળતા જ નજરે ચઢે છે એની વેદના દેખાતી નથી. જીવનમાં એક ખાનામાં ગુમાવ્યા વગર બીજા ખાનામાં કશું પામી શકાતુ નથી. તમે જે પામવા ઈચ્છો છો તે મેળવવા માટે જે ગુમાવવુ પડે તેનો કદી વિચાર કર્યો છે ? જો આ વિચાર કરશો તો કદાચ જે ગુમાવવુ પડે છે તેને ધ્યાને લઈ તમે જેની પાછળ દોડતા હતા તેને છોડી દેવાનુ વધુ પસંદ કરશો. આ પ્રકારની સ્થિતપ્રજ્ઞતા કેળવવી મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ. ક્યારેક વિચારી જો જો.
કવિ અનામીની પંક્તિઓ યાદ આવે છે –
આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી,
હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી... આપણી વ્યથાની વાત...
આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે,
આપણી કથા એ તો સૌની કથા છે,
આપણા પરાયાના, ભેદ સહુ ભાંગી,
ગમ કેરી ગઠડીને, નિજ શિરે વહેવી... આપણી વ્યથાની વાત...
ગમ કેરી દિલ્લગીમાં, આગવી મઝા છે,
માનનારા માને તો, આકરી સજા છે,
કુંદન કસોટીની કસપટ્ટી આપદા,
હસતાં હસતાં ભાઈ એને સહી લેવી... આપણી વ્યથાની વાત...
અને છેલ્લે...
ઘણા વર્ષો પહેલા જોયેલ એક નાટકનું ટાઈટલ સોંગ યાદ આવે છે –
સુખના સુખડ જલે મારા મનવા
દુઃખના બાવળ બળે
સુખડ જલે ને પડે રાખની ઢગલી
બાવળના કોયલા પડે મારા મનવા
સુખના સુખડ જલે.
છેવટે તો ક્યાંકને ક્યાંક વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે. ચંદન બનીને રાખ થઈ જતા પણ મહેકવુ કે પછી બાવળના કોયલા બનવુ આપણે નક્કી કરવાનુ છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...