Wednesday, March 30, 2016

વડીલ

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, " બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? " વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, " બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે. તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે."

દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાય ગયુ છે દિકરાને પિતાની આ વાત ગળે ન ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો. ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેરવિખેર થઇ ગયા.

દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ એમને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો. એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ, " તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? " વડીલે કહ્યુ, " એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી. એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.

દિકરાએ કહ્યુ, " બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા. તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા. ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે." પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, " બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો."

મિત્રો, ઘણીવખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

જો કોઈ વ્યક્તિ તમારી સામે ઝુકી ને નમૃતાથી વાત કરે તો માનવું કે તેનુ કદ તમારાથી ચોકકસ મોટુ હશે..

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...