Tuesday, March 22, 2016

"નવ્વાણું નો ધક્કો"

મેનેજમેન્ટ સ્ટોરી :~ ‘નવાણુનો ધક્કો’.
નાના ગામમાં એક શેઠ રહેતા હતા. પૈસેટકે ખુબ સુખી. પણ જીવનમાં સુખ અનુભવાય નહીં.
તેમની હવેલીની બાજુમાં એક ઘાંચી રહે, આખો દિવસ ‘ઘાણી’ ચલાવે (આજની ‘ઓઈલમીલ’) અને આનંદથી રહે.
શેઠાણીને આશ્ચર્ય થાય કે આ ઘાંચીને ખાવા પુરતી આવક છે છતાં કેટલો સુખી છે. રાત્રે આરામથી ઉંઘે છે અને અમે અનિંદ્રા ભોગવીયે છીએ. એક દિવસ એણે શેઠને આ રહસ્ય પુછ્યું.
શેઠે ટુંકમાં જવાબ આપ્યો ‘ એને હજુ નવાણુનો ધક્કો નથી લાગ્યો.’. શેઠાણીએ આગ્રહ રાખ્યો કે મારે જાણવું છે કે આ નવાણુંનો ધક્કો શું છે ?
શેઠે થોડી ધીરજ રાખવા કહ્યું. એ રાત્રે શેઠ છાનાછપના એક કોથળીમાં ૯૯ સિક્કા ભરી ઘાંચીની ઘાણીમાં સરકાવી દીધી.
બીજે દિવસે ઘાંચીએ આ કોથળી જોઈ, સિક્કા ગણ્યા, ઘાંચણને કહ્યું ‘આ કોથળી કોઈક રીતે આવી છે પણ તેમાં નવાણું સિક્કા છે આપણે એક સિક્કો એમાં ઉમેરી દઈએ તો સો પુરા થઈ જાય. સાંચવીને મુકી દે.’

દિવસ દરમ્યાન કંઈક પૈસાની જરુર પડી, ઘાંચીએ વિચાર્યું અત્યારે આ ૯૯ સિક્કામાંથી લઈ લઊં પછી તેમાં મુકી દઈશ.
હવે તેમાં પંચાણુ સિક્કા રહ્યા. દિવસભરની મહેનતની કમાણીમાંથી ઘાંચી ત્રણ સિક્કા તેમાં મુકી શક્યો.
એણે વિચાર્યું કાલે પુરા કરી દઈશ. બીજા દિવસે પણ સિક્કા એકઠા કરી શક્યો નહીં. એ રાત્રે સિક્કા પુરા કરવાની ચિંતામાં એને જીંદગીમાં પહેલીવાર ઉંઘ ન આવી.
ત્રીજા દિવસે થોડો ઘરખર્ચ ઘટાડીને સિક્કા પુરા કર્યા. બે-ત્રણ દિવસ પછી ફરી અચાનક પૈસાની જરુર પડી, કોથળીમાંથી સિક્કા કાઢ્યા અને ફરી સો પુરા કરવાની ફિરાકમાં લાગી ગયો.
આ સીલસીલો ચાલુ જ રહ્યો. હવે તેને ઘણીવાર રાત્રે ઉંઘ ન આવતી, ઘાંચણ સાથે પણ મથાકુટ થતી.
આમ, જીવનની શાંતિ હણાઈ ગઈ. મહીના પછી શેઠે શેઠાણીને દેખાડ્યું કે ઘાંચીને ‘નવાણુનો ધક્કો’ કેવી રીતે લાગ્યો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...