Tuesday, November 7, 2017

સાચું સુખ એ સંબંધ અને ખરી મૂડી એ પણ સંબંધ


ઓશો કહેતા કે માણસ હંમેશા સુખની પાછળ ભાગે છે. ખુશીની પાછળ ભાગે છે. કોઈને પૈસામાં સુખ દેખાય છે તો કોઈને પ્રસિદ્ધિમાં સુખ દેખાય છે. કોઈને નવું મકાન, કારમાં સુખ દેખાય છે. કોઈને તપમાં, પોતાના કોઈ શોખમાં (પૅશન લખું? લોકોએ ઘસી નાખ્યો છે આ શબ્દ તો સુખ શોધવામાં!!), મહત્ત્વકાંક્ષામાં સુખ દેખાય છે. માણસ આખી જિંદગી સુખ પાછળ દોડતો રહે છે. સુખને પોતાને ગમતા રસ્તે પામી લેવા ભાગતો રહે છે. ઘણીવાર ભૂલી ય જાય છે કે એ જે સુખ અથવા જેના થકી સુખ પામવા માગતો હતો એ કરવા માટે જ એને પૈસા કમાવાના હતા; પૈસો કમાવો જ સુખ નહોતું. 

એક સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમારો મેજર લાઈફ ગૉલ શું છે? ત્યારે એમનો જવાબ હતો: પૈસા કમાવા! હેપ્પીનેસ પર થયેલા રિસર્ચ કહે છે કે પૈસા અને હેપ્પીનેસને એક લેવલ પછી વધુ સંબંધ હોતો નથી. એક લેવલ પછી મોંઘી સુવિધાઓ હેપ્પીનેસ લેવલમાં ઝાઝો વધારો કરતી નથી. એના મૂલ્યને સાપેક્ષે, જિંદગી અને સમયની ચૂકવાતી કિંમતને સાપેક્ષે એ બહુ નજીવો વધારો હોય છે. 

વળી, રિસર્ચ તો એવું પણ કહે છે કે વસ્તુઓ/ Things નહીં, અનુભવો/ Experiences થકી મેળવેલી હેપ્પીનેસની અસર વધુ રહે છે. સુખ જતું રહે અને દુઃખ આવી પડે ત્યારે ય સુખની આશા માણસને જીવતો રાખે છે, ચાલતો રાખે છે. આ બધી પીંજણ-પળોજણ વચ્ચે એક સીધું-સાદું-ક્લિયર સત્ય કયું છે ખબર છે? દુનિયામાં સૌથી મોટું સુખ કયું છે ખ્યાલ છે? પૈસો? શોખ? સફળતા? નવો ફોન? નવી કાર? નેઈમ? ફેઈમ?

ના.

આ બધાથી ય વધુ સુખી માણસ એ છે જે સંબંધો પામ્યો છે! હૂંફાળા સંબંધો આપણને ખુશ અને તંદુરસ્ત રાખે છે. અને આ માત્ર ઓપિનિયન નથી. "હાર્વર્ડ સ્ટડી ઑફ એડલ્ટ ડેવલપમેન્ટ" નામના છેલ્લાં 75 વર્ષથી ચાલતા રિસર્ચ પ્રોગ્રામનું આ તારણ છે (આખો વિડીયો TED પર અવેલેબલ છે). કુલ 724 માણસો પર હાથ ધરાયેલા આ પ્રોગ્રામમાં એ તમામ લોકોની લાઈફને ટ્રેક કરવામાં આવી, એમના ઈન્ટરવ્યુ લેવાયા, એમના પરિવાર સાથે એમના સંબંધોનું પણ એનાલિસિસ થયું, મેડિકલ રિપોર્ટ્સ, બ્રેઇન-સ્કેન જેવા સાયન્ટિફિક ટૂલ્સ પણ યુઝ થયાં. અને આ આખા રિસર્ચમાંથી જે લેસન્સ મળ્યા એ આ રહ્યા:

સંબંધો આપણા માટે ખૂબ ખૂબ મહત્વની ચીજ છે. એકલા માણસના દુઃખી થવાની, એની હેલ્થ ડિક્લાઈન થવાની શક્યતાઓ વધુ છે. સોશિયલી કનેક્ટેડ માણસ (રિયલ સોશિયલ નેટવર્ક, નોટ ફેઈસબુક ), એના ફેમિલી- ફ્રેન્ડસ્ સાથે જલ્સા કરતો માણસ વધુ ખુશ હોય છે, તંદુરસ્ત હોય છે. બીજુ, કેટલા સંબંધો નહીં, કેવા સંબંધો એ મહત્વનું છે. ક્વોન્ટિટી નહીં ક્વૉલિટી. (અહીં માત્ર એક જ સંબંધની વાત નથી પણ દા.ત.લગ્નની વાત કરીએ તો તમારા પાર્ટનર સાથે તમારા કેવા સંબંધ છે, કેવી કંપેટિબિલિટી છે, કેમેસ્ટ્રી છે એ વધુ મહત્વનું છે). એવું પણ નોંધવામાં આવ્યું છે કે સંબંધોમાં વધુ સમૃદ્ધ માણસ મોટી ઉંમરે પણ, વૃદ્ધાવસ્થામાં, વધુ હેલ્ધી-હેપ્પી રહી શકે છે.

એટલે, તમારી આસપાસ તમને "તું" કહેવાવાળા, તમને આજેય તમારા બચપણના નામે બોલવનારા, પ્રેમ કરનારા, કૅર કરનારા, તમારા માટે તમને ગાળ દેનારા, પીઠ થાબડનારા, તોફાનમાં હાથ ઝાલી રાખનારા, તમારા હાસ્ય પાછળનું દર્દ તરત સમજી જનારા લોકો હોય... કોઈ કહેતું હોય, "ચિંતા ન કર, હું બેઠો છું ને"; કોઈ કહેતું હોય, "તું છો તો દુનિયા જીતી જવાશે, જીવી જવાશે", તો માનજો કે તમે કદાચ દુનિયાના સૌથી સફળ, સૌથી ધનવાન વ્યક્તિ કરતા પણ વધુ ખુશ હોઈ શકો. (મારા ઉમદા લેખકમિત્ર સંકેત ઠાકરની કલમ માંથી ઝરેલાં શબ્દો)

અને છેલ્લે:- સંબંધોની મૂડી જ ખરી મૂડી. આ વાત સમજતા સમજતા લોકોની આખા આયખાની મૂડી ખર્ચાઈ જાય અને જે સમજી જાય એ જ સાચો અમીર ને ખમીરવંતી!!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...