Saturday, November 4, 2017

પિતા - પપ્પા - બાપુજી


મારા પિતા એ વખતે ગામડામાં દરબારી કામ કરતા હતા. હું હાઈસ્કૂલમાં ભણતો એ વખતની આ વાત છે. મારા પિતાનો આમ તો કશો સામાજિક હોદ્દો નહોતો, કારણ કે એમને દરબારી હવાલદારથી સહેજ જ ઊંચું કામ કરવાનું હતું અને દરબાર ઉપરાંત દરબારના કારભારીની આજ્ઞા પણ ઉઠાવવી પડતી. ખળા ભરવાનું, ખેડૂતોના લેણા વસુલ લેવાનું આંટી ઘૂંટીવાળુ અને આંકડાની ભૂલભૂલામણી જેવું દરબારી નામું લખવાનું, દરબારના નાના છોકરાથી માંડીને બૈરાઓ સુધીના સૌના મોઢે રહેવાનું, એમ અનેકવિધ કામ એમને કરવાં પડતાં. આ બધા પાછળ જો કે એમની ઈચ્છા મોડે મોડે પણ દરબારના કારભારી થવાની હતી. પરંતુ એ પદ ઉપર પહોંચતા પહેલાં એમને અનેક વાડ ઠેકવાની હતી. અને સાથો સાથ ઘરના ખર્ચને પહોંચી વળવા જેટલું રળવાનું હતું. આ પેટપૂરી રળવા માટે એમને ટાઢ તડકો જોયા વિના ગામડાઓમાં અથડાવાનું હતું.
અમારા ગામમાં હાઈસ્કૂલ નહોતી એટલે બાજુના શહેરમાં હું એક ઓરડી ભાડે રાખી ભણતો હતો. એ વખતે મારી ઉંમર સોળ-સત્તર વર્ષની હતી. આ ઉંમરનો છોકરો અનેક વિચિત્રતાઓનું મિશ્રણ હોય છે. ક્યારેક પીઢ, ક્યારેક ઉછાંછળો, ક્યારેક ચુસ્ત ધર્માત્મા તો ક્યારેક ભયંકર નાસ્તિક, રંગીલો તો ક્યારેક ત્યાગી, મિત્તભાષી તો ક્યારેક વળી બોલકણો. ટૂંકમાં એ વખતે એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એની સ્થિતિ માટીના પીંડા જેવી અને એથીયે વધુ સારી રીતે કહીએ તો પ્રવાહી જેવી હોય છે. જે વાસણમાં એને રેડવામાં આવે એવો આકાર તરત એ ધારણ કરી લે છે. મારી પણ આવી જ હાલત હતી.
હું થોડા દિવસ ઘેર આવ્યો હતો. વાત એમ હતી કે, મેં વધુ પડતા પૈસા વાપરી નાખ્યા હતા, એટલે પત્ર લખીને પૈસા મંગાવવા કરતાં હું જાતે જ જાઉં તો એ કામ સહેલાઈથી પતે એમ હતું. અને એમ જ બન્યું. હું થોડા દિવસ ઘેર રહ્યો અને એક મહિનાના ખર્ચના અને થોડાં પુસ્તકો ખરીદવાના પૈસા લઈને શહેર પાછો ફર્યો. પાછો ફર્યો ત્યારે પિતાજીએ એટલું જ કહ્યું : ‘પરીક્ષા નજીક આવે છે એટલે વાંચવામાં ધ્યાન રાખજે અને આ ચિઠ્ઠી મોતીભાઈને આપજે.’ (મોતીભાઈ એમના મિત્ર હતા અને શહેરની કોર્ટમાં કલાર્ક હતા.) 

મારા પિતાની ચિંતા સકારણ હતી. પરીક્ષા નજીક આવતી હતી, પરંતુ મારું ધ્યાન ભણવામાં નહોતું. આજે એ વાત યાદ કરતાં મને શરમ આવે છે, પણ એ વખતે સવારમાં હોટેલમાં ચા-ગાંઠીયા, રીસેસમાં પુરી, સાંજે સિનેમા, રાત્રે નાસ્તા અને મિત્રોની મહેફિલ એ રીતે જ મારા દિવસો વીતતાં હતા. મારી ઓરડી, સર્વ રીતે સ્વતંત્ર હોવાથી, મિત્રોના અડ્ડાનું એક માત્ર સ્થળ હતું. એને કદી તાળું રહેતું નહિ અને કોઈને કોઈ મિત્ર મેલા ગોદડાં ખૂંદતા ત્યાં આળોટતો જ રહેતો. હું શહેર આવવા પાછો ફર્યો ત્યારે આ બધું બંધ કરી વાંચવામાં જીવ પરોવવાનો નિશ્ચય મેં માર્ગમાં જ કરી લીધો હતો.
પરંતુ ઓરડીએ પહોંચ્યો ત્યારે મિત્રોની મહેફિલ જામેલી જ હતી. હમણાં થોડા દિવસથી એ લોકો પાનાની એક નવી રમત શીખ્યા હતા. અને રમતમાં પૈસા માંડી એમણે જુગાર રમવાનું શરૂ કર્યું હતું. એ રમતમાં નિષ્ણાંત એવા થોડા અજાણ્યા સાથીદારો પણ મહેફિલમાં ઉમેરાયા હતા. પહેલાં તો મને એ બધાને હાથ જોડી બહાર મોકલી દેવાનું મન થયું. પણ રમત એવી જામી હતી, એવી તો જામી હતી. થોડી વારે મને પણ રસ પડવા માંડ્યો, ને હું પણ બેસી પડ્યો. રમતમાં કોઈ હારે કે જીતે ત્યારે એક સાથે સૌ ચિચિયારી પાડી ઉઠતા ને રમત ઓર જામી પડતી. રમતની એ રંગતમાં સવાર થઈ, હું મારા બધા રૂપિયા હારી ગયો. એટલું જ નહિ, થોડા ઉછીના લીધા એ પણ હારી ગયો.
એટલા રૂપિયા હાર્યા પછી મારી આંખ ખૂલી. આખી રાતનો ઉજાગરો હતો, આંખો બળતી હતી, પરંતુ મનને ક્યાંય ચેન નહોતું. બધા ગયા એટલે ગોદડું ઓઢી ઓરડીમાં પડ્યો રહ્યો, શું કરવું એ સૂઝતું નહોતું, કેટલા રૂપિયા હું હારી ગયો હતો ? મારા કુટુંબની હાલત કેવી હતી ? મારા પિતા કઈ રીતે પૂરું કરતા હતા ? ગામડામાં એમની સ્થિતિ કેવી હતી ? ઓહ…. ભયંકર નિરાશા અને મૂંઝવણ મારા દિલને કોરવા લાગ્યાં. 

ઋતુ ઠંડી હતી છતાં મારું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. માથું ચકરાવા લાગ્યું ને વિચારોના એક સામટા બોજાને કારણે જાણે હમણાં મગજ ચીરાઈ જશે એમ મને લાગ્યું. ગોદડું ફેંકીને હું ઓરડી બહાર ભાગ્યો. અને જે મિત્ર ઉપર પહેલી નજર પડી એની પાસેથી પૈસા લઈ ઘેર જવાના રવાના થયો. ઘેર જઈ ભૂલ કબૂલ કરી ફરી પૈસા લાવ્યા સિવાય જીવવું મુશ્કેલ હતું. મારા પિતાના મિજાજની મને ખબર હતી, એમના કડક સ્વભાવને કારણે મારા ઉપર કેટલું વીતશે એનું પણ મને ભાન હતું. મારી બેનમૂન મૂર્ખાઈ અને બેદરકારીને કારણે મારે એ બધું સહેવાનું હતું. અને એ વિના બીજો રસ્તો નહોતો. માર્ગમાં મને નાસી જવાના અને આપઘાત કરવાના વિચારો આવ્યા, પરંતુ મારાથી એ ન થઈ શક્યું. ડરતો, કંપતો હું ઘેર પહોંચ્યો.
નસીબ જોગે પિતાશ્રી એ વખતે ઘેર નહોતા. બાજુના ગામડાંમાં એ દરબારી કામે ગયા હતા. મારી બાએ મારો ફિક્કો ચહેરો જોયો તો બિચારી ગભરાઈ ગઈ. એને થયું કે, છોકરો નક્કી બીમાર પડી ગયો ! મેં એને કહ્યું કે મારી તબિયત સાવ સારી હતી, ત્યારે જ એનો જીવ હેઠો બેઠો. રાતના સગડી પાસે બેસીને તાપતાં મેં મારી રામકહાણી એને કરી. એની આંખમાં એ વખતે જે વ્યથા મેં જોઈ એને હું કદી ભૂલી નહી શકું. એણે મને કહ્યું, ‘અરે રે, આ વાત હું એમને ક્યા મોઢે કહીશ ? એમની તબિયત કેટલી ખરાબ રહે છે ! ને હાય, તોય બિચારા રાત દિ’…. આવું નહોતું કરવું, બેટા, આવું નહોતું કરવું’….. મને બાથમાં લઈ એ રોઈ પડી. 

એની દુ:ખભરી આંખો મને કહેતી હતી, ‘તારા બાપની કમાણી સામે તો જો. હવે એ તને ક્યાંથી પૈસા આપશે ? શું કરશો ?’ રાતના મોડે સુધી મને ઊંઘ ન આવી. સવારના હું મોડો ઊઠ્યો. પિતાજી ઘરે આવી ગયા હતા. રાતના ગાડાની મુસાફરી કરી એ ઘેર પહોંચ્યા હતા, એથી ઘણા થાકેલા હતા. ઉધરસ ખાતાં સગડી પાસે બેસી તાપી રહ્યા હતા. મેં એકવાર એમની સામે જોયું. એમણે મોં આડો હાથ દઈને જોરથી ઉધરસ ખાધી અને એક છોડિયું ઉપાડી સગડીમાં નાખ્યું. એમની લાલ આંખોમાંથી ઠંડીને કારણે પાણી ટપકતું હતું.

હું મારી બા પાસે ગયો. બા રસોડામાં હતી.
મારા પિતાએ કહ્યું : ‘રાંધવામાં જરા ઉતાવળ રાખજે. મારે અગિયારના ખટારામાં નાગલપર જવું છે.’ મેં ડરતાં ડરતાં બાને પૂછ્યું : ‘મારા બાપુજીને વાત કરી ?’ એ રોટલો ટીપી રહી હતી. એક દીર્ઘ નિશ્વાસ સાથે એણે કહ્યું, ‘હા.’ ફરી એ રોટલાની કોર સરખી કરીને ટીપવા લાગી.

મેં ફરીથી પૂછ્યું : ‘એમણે શું કહ્યું ?’

કંઈ જ નહિ. એમણે તારી તબિયતનું પૂછ્યું કે તાવબાવ નથી આવ્યો ને ?’

હું અને પિતાજી સાથે જમવા બેઠા, પણ અમારા વચ્ચે ખાસ કશી વાતચીત ન થઈ. એમણે મને ફક્ત એટલું જ પૂછ્યું, ‘મારી ચીઠ્ઠી મોતીભાઈને આપી ?

મેં નીચું જોઈને જ કહ્યું : ‘ના.’

તે ઉતાવળે જમતા હતા. પોણા અગિયારે કોટ પહેરીને એ નાગલપર જવા ઉપડી ગયા. જતાં જતાં કહેતા ગયા. ‘કાલે સવારની બસમાં તારે જવાનું છે. કંઈ લઈ જવાનું હોય તો તૈયાર કરાવી રાખજે.’
રાત્રે મોડેથી એ ઘેર આવ્યા. બીજે દિવસે વહેલા ચાર વાગ્યે બાએ મને જગાડ્યો. પાંચ વાગ્યાની બસમાં મારે જવાનું હતું. રાતના ગોદડાં બહાર રહી ગયેલો મારો હાથ ઠરીને ઠીંગરાઈ ગયો હતો. જલદી જલદી મોં ધોઈ, ચા પી હું તૈયાર થઈ ગયો. પિતાજી દેખાતા નહોતા. મને થયું, એ મોડા આવ્યા હતા, એથી સૂતા હશે – ભલે સૂતા. મેં બાને પૂછ્યું, ‘મને આપવાના પૈસા…..’

હજી હું બોલી રહું એ પહેલાં એણે મને કહ્યું, ‘બહાર તારા બાપુજી રાહ જોવે છે, એમને અત્યારમાં પીપરડી જવાનું છે – દાનો ઘોડું લેવા ગયો છે ને એ બહાર ઊભા છે.’ હું જલદી જલદી બહાર નીકળ્યો. ઠંડા પવનનો એક કાતિલ સૂસવાટો મારી છાતી વીંઘતો આરપાર નીકળી ગયો. બહાર નીકળી મેં જોયું તો ઘરની ભીંત પાસે ઉધરસ ખાતા મારા પિતાજી ઊભા હતા. એમનો કાળો પરિચિત ધાબળો એમણે ઓઢેલો હતો. ઘોડું એમની પાસે જ ઊભું હતું. બીજું કોઈ નહોતું.

લે’ એમણે ધાબળામાંથી હાથ બહાર કાઢી મને પૈસા આપતાં કહ્યું..!!
વીજળીની ધાર જેવો તીખો અને ઠંડો પવન ફૂંકાતો હતો. હું ધ્રુજી ગયો ને હાથની અદબ બીડી લીધી. પિતાજીએ ઘોડા ઉપર ચડી ઘોડાનું મોઢું મારી તરફ ફેરવ્યું અને કહ્યું, ‘હવે સંભારીને મારી ચિઠ્ઠી મોતીભાઈને આપી દેજે. અને….’ પણ એ આગળ બોલે એ પહેલાં એમને ઉધરસ ચડી. આજુબાજુ બધું જ ઠરી ગયું હતું અને ઠરીને મરી રહેલી સૃષ્ટિને વધુ ઠીંગરાવી દેવા જ ફૂંકાતો હોય એવો સૂસવાટ કરતો પવન ઊગમણી તરફથી ધસી આવ્યો. આ વખતે હું જોરથી કંપી ઊઠ્યો ને સહેજ વાંકો વળી ગયો. મારા પિતા ઉધરસ ખાતા હતા. એમણે પોતાનો ધાબળો કાઢીને મારી ઉપર ફેંક્યો. હું કંઈ બોલું એ પહેલા જ એમણે કહ્યું : ‘જલદી જા, નહિ તો બસ ઊપડી જશે અને જો……’ એ સહેજ થોભ્યા, ‘તને આપ્યા એ પૈસા મરજી પડે એમ વાપરજે, પણ… આમ મારી સામે જો …….અને છેલ્લે શબ્દો વિના જ કહી દીધું : વાપરતા પહેલાં હું કેમ રળું છું એ યાદ રાખજે….!!’


ને હું જવાબ આપું કે ધાબળો પાછો આપું એ પહેલાં તો એમણે ઘોડું હાંકી મૂક્યું. ઠંડું મોત ઘૂરકતું હોય એમ પવન ગર્જતો હતો.
સંકલિત: કાર્તિક શાહ (આ એક સંપૂર્ણ સત્યઘટના છે એક પ્રસિદ્ધ અને મને ગમતાં ગુજરાતી લેખકની જેમનો ફોટો ઉપર મુક્યો છે, આપ કહી શકશો કોણ હતાં એ? )

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...