Saturday, November 4, 2017

આંસુ વિના અંતરથી રડે એ પિતા!


જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા.
દિકરાને મા પ્રત્યે સવિશેષ લાગણી હોય છે અને માને પણ સંતાન પ્રત્યે સવિશેષ લાગણી હોય છે કારણ કે મા અને દિકરાનો સંબંધ માત્ર સંબંધ નથી હોતો ઋણાનુબંધ હોય છે. પિતાને દિકરા સાથેનો સંબંધ દિકરાના જન્મ પછી હોય છે. એટલે એનો અર્થ એવો નથી કે પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ નથી હોતો !
ઇતિહાસમાં કેટલાય એવા પ્રસંગો ઘટ્યા છે કે મા વિનાના દિકરાને પિતાએ જ મોટો કર્યો છે. પિતા વિનાના દિકરા-દિકરી માટે મા જેમ પિતાનો રોલ કરી શકે છે એમ મા-વિનાના દિકરા-દિકરી માટે પિતા પણ માનો રોલ કરી શકે છે. એ ક્યારેય ન ભૂલશો…દિકરાનું બચપન માના હાથમાં હોય છે તો બચપનથી પચપન સુધી સાચવનાર પિતા હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે પિતા બોલી નથી શકતા મુંગા મુંગા એ બધુ જ કામ કરી લેતા હોય છે, બાપ બનનાર દરેકને આ અનુભવ હશે.
 જન્મ દાત્રી માતા છે તો જીવનદાતા પિતા છે. કલ્પના કરજો કે જે બાળકને પિતા જ ન હોય એની સ્થિતિ કેવી હોય ? યાદ કરો સાયકલ ચલાવતા કોણે શીખવ્યું ? મોટા થયા ત્યારે બાઇકની ઝંખના જાગી, એ ઇચ્છા કોણે પુરી કરી આપી ? અકસ્માત કે રફ ડ્રાઇવીંગ ના ભયથી પિતા દીકરાને બાઇક ન લાવી આપે એમાં પણ દીકરા માટે હિતબુદ્ધિ જ હોય છે. કેટલાક દીકરાની ફરીયાદ હોય છેઃ “બાપાએ અમને શું આપ્યું ? જ્ન્મ આપ્યો, જીવન આપ્યું અને જતન કર્યું એ કાંઇ કમ છે ?
સ્કૂલની ફીઝ ભરવાની હતી ત્યારે, સ્પોર્ટ ક્લબમાં જવું હોય ત્યારે, ગાડી શીખવી હોય ત્યારે,પપ્પાની પીઠ ઉપર ઘોડો બનીને બેસવું હોય ત્યારે આ દરેક પ્રસંગે પિતા પડખે રહ્યા છે. સંતાનનો જ્ન્મ થયો હોય ત્યારે એ પહેલાથી એના વિશેની ચિંતા બાપને હોય છે. દીકરાનું અવતરણ પણ હજુ આ પૃથ્વી ઉપર ન થયું હોય એ પહેલા મા-બાપે કેટકેટલા સપના જોયા હોય છે.
તમે નાના હતા અને દોઢ-બે-ત્રણ-ચાર-ચાર વરસ સુધી બોલવાનું ચાલુ નો’તું કર્યું ત્યારે સૌથી વધારે ચિંતા તમારા માટેની એ બાપ ના હ્રદયમાં હતી. આખુ જગત જાણે છે કે દીકરો પહેલી વાર મા બોલે છે કે મમ્મી બોલે છે ત્યારે એ મા રાજીની રેડ થઇ જાય છે. પણ દીકરો પહેલીવાર ‘પપ્પા’ બોલે છે ત્યારે એ બાપનું અંત:કરણ ઘેલુ ઘેલુ થઇ જાય છે એ વખતે એના રાજીપાની નોંધ કેટલાયે લીધી ?

દીકરો કે દીકરી જેમ જેમ મોટા થતા જાય તેમ-તેમ બાપની ચિંતા પણ મોટી થતી જાય છે. દીકરો ભણતો હોય ત્યારે કોઇને પણ ખ્યાલ ન આવે એ રીતે બાપ મંદીરમાં જઇને પ્રાર્થના કરે છેઃ ‘મારો દીકરો સારા માર્કસે પાસ થાય’ ડોક્ટર, એન્જીનિયર કે સી.એ.નું ભણ્યા પછી દીકરાની નોકરી માટે વારંવાર ધક્કા ખાનાર બાપ હોય છે. નોકરી માટે લાચાર થનાર બાપ હોય છે. દીકરા માટે ડીગ્રી, નોકરી, છોકરી, આ ત્રણેય માટે બાપે કેટલી વાર ઠોકર ખાધી હોય છે એની નોંધ ક્યાં લેવાય છે...!!?

પિતા ગુરુ જેવા હોય છે. આંખ લાલ કરે પણ અંતરથી લાડ કરે.....દીર્ઘદ્રષ્ટા હોય, ભવિષ્યની ચિંતા એમ્ને અત્યારથી હોય છે. મધ્યમ વર્ગના કેટલાય પિતાઓ પોતાને ત્યાં દીકરો જન્મ્યો હોય અને હજુ નામકરણ પણ થયું ન હોય એ પહેલા એના નામે અમુક રકમ મુકી દેતા હોય છે. ભવિષ્યમાં દીકરાનો પ્રસંગ આવે તો કોઇની પાસે લાંબો હાથ ન કરવો પડે.

૨૩ વર્ષ નો એક યુવાન, મધ્યમવર્ગીય પરિવારનો એક નો એક દીકરો વર્તમાન પત્ર કે કોમ્પ્યુટર કરતાં પણ વધુ માહિતી ધરાવે. એક મોડી રાત્રે કેટલીક ચર્ચા થઇ છેલ્લે જતાં જતાં એણે વાત કરી કે ‘મહારાજ સાહેબ! મારા લગ્નના ખર્ચાની મારા પિતાને કોઇ ચિંતા નથી’ મેં કહ્યુંઃ ‘ભલા માણસ! બાપની ગંભીરતા તું હજુ સમજી ન શકે એટલે આવું બોલે છે. ઘરનાં કોઇને ગંધ પણ ન આવે એ રીતે એ વ્યવસ્થા કરતાં જ હોય..નહીં તો દેવુ કરીને પણ કરશે’
યુવાન કહે ‘ના એવું નથી..આજે બપોરે મારા પપ્પા મોબાઇલ ઉપર એમના દોસ્ત સાથે વાત કરતા હતા કે, સારું ઘર મળે તો હવે દીકરીને પરણાવી દેવી છે. ફેનીલનો જન્મ થયો ત્યારે એ બંન્નેના ભેગા મળીને ૪૦૦૦૦ રૂપિયા ફિક્સમાં મુકી દીધા હતા. દીકરી ૨૪ની થઇ છે રકમ ઉપાડશું તો લગ્ન ખર્ચ નીકળી જશે. વરસ પછી ફેનીલનો વારો..! મોટે ભાગે દરેક બાપના હ્રદયમાં દીકરા-દીકરી માટેની ચિંતા હોય છે. કરૂણાથી છલકાતા હ્રદયવાળા બાપની કેટલાને ખબર છે? માતાના હાથની બનાવેલી રસોઇના આપણે વખાણ કરીએ છીએ પણ એ રસોઇ માટે સીધુ લાવી આપનાર પિતાને ભૂલી જઇએ છીએ. પિતા જો દિકરાના ઉછેરમાં કચાશ રાખે તો આજે દીકરો સમજ અને સમાજ બંન્નેની બહાર હોત. બાપ દીકરા માટેની એક પણ ફરજ ને ચૂકતો નથી. યથાશક્તિ એ દરેક ઇચ્છાને પૂરી કરે છે ત્યારે દીકરાની પણ ફરજ થાય છે કે મા-બાપ ઘડપણમાં પ્રવેશે ત્યારે એમની તકેદારી રાખવી. ઘરડા મા-બાપ્ને તમારી પાંસેથી પૈસાની અપેક્ષા નથી હોતી પણ પ્રેમની અપેક્ષા હોય છે. ૨૪ કલાક દીકરો સામે જ રહે એવી અપેક્ષા નથી હોતી પણ દીકરો સાથે રાખે તેવી અપેક્ષા હોય છે. દરેક દીકરા રામ જેવા, શ્રવણ જેવા, ભીષ્મ જેવા કે કૃનાલ જેવા હોય એ જરૂરી નથી. અને એવા જ દીકરાઓ આપણને મળે એવી બાપે અપેક્ષા ન રખાય પણ ઔરંગઝેબ જેવા, કોણિક જેવા, ધૃતરાષ્ટ્ર જેવા પુત્રો નથી પાક્યા તેનો ગર્વ લેવો જોઇએ. 

અને છેલ્લે એટલું જ સમજવું છે કે માતા કે પિતા બંન્નેમાંથી એકેયનું વાત્સલ્ય ઓછું નથી હોતું પણ માતા સ્ત્રી હોવાના કારણે એની કોમળતા આપણને સ્પર્શે છે. જ્યારે પિતા પુરૂષ હોવાના કારણે એનામાં આપણને રૂક્ષતા લાગે છે. સાચી વાત તો એ છે કે પિતા રૂક્ષ નથી વૃક્ષ છે એના છાયડામાં બેસીએ ત્યારે જ શીતળતા અનુભવાય....!

સંકલિત: કાર્તિક ડી. શાહ ("સાધુ તો ચલતા ભલા" પુસ્તક માંથી)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...