Friday, November 3, 2017

આજકાલ સંતાનોને પપ્પા ગમતા નથી!

"પપ્પા તમે અમને ગમતા નથી!!"
આજકાલ સંતાનોને પપ્પા ગમતા નથી!

આ હૃદયસ્પર્શી લેખ લખવાનું આજે એકદમ જ કેમ મન થયું? એની તો મને ખબર નથી પણ હા એક વાત ચોક્કસ છે કે સંતાનોને મમ્મી કદાચ પપ્પા કરતા વધારે જ વ્હાલી હોય છે! અને કેમ ન હોય? મમ્મી, મા, બા એ તો વ્હાલનો દરિયો છે! મમતા અને હુંફનું આજીવન વહેતું અખૂટ ઝરણું છે!!

બા એટલે બાળકના જન્મદાતા, પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા...!
બા એટલે સંતાનના જીવનનો પાયો...!
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી...!
બાપુજી એટલે બાની પુંજી...!
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે...!
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે...!
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે...!
બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)...!
બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે....!
બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે....!
અને અંતે બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.
જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે "બા-પા" એ ચોથો ભાગ છે.

આ વાત પર એક વાંચેલો પ્રસંગ યાદ આવે છે:

"ટેબલની એક તરફ ગુજરાતી પત્રકારત્વના દંતકથારુપ તંત્રી સ્વ. હસમુખ ગાંધી બિરાજમાન છે. સામે ‘સમકાલીન’ દૈનિકમાં જોડાવા માટે અધીરાઈ અનુભવી રહેલો એક ઉત્સાહી નવયુવાન બેઠો છે.

 ગાંધીભાઈના આકરા ઈન્ટરવ્યુ અને લિખિત પરીક્ષામાંથી એ પસાર થઈ ચુક્યો છે. બસ, હવે અપોઈન્ટમેન્ટ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. અચાનક પર્સોનેલ ડિપાર્ટમેન્ટના ક્લર્કે ફોર્મમાં વિગત ભરવા માટે પૂછે છે: પિતાનો વ્યવસાય? 

યુવાન જવાબ આપે છે: ‘પિતાજી!’ 

ગાંધીભાઈ હસી પડે છે: અલ્યા, તારા બાપાનો વ્યવસાય પૂછે છે! 
ત્યારે એ યુવાન સ્થિરતાથી કહે છે: ‘ઔપચારિકતા ખાતર ‘અધ્યાપક’ લખી શકો, બાકી હી ઈઝ અ ફુલટાઈમ ફાધર...’ 

આ યુવાન એટલે અજય દલપતસિંહ ઉમટ, જે આજે છવીસ વર્ષ પછી ટોચના પત્રકાર તરીકે જાણીતા છે. એમને જર્નલિઝમમાં પા-પા પગલી માંડનાર એમના પિતાજી પ્રોફેસર ડી.એસ. ઉમટ જ! 


પાર્ટટાઈમ પિતૃત્વ જેવું કશુંય હોય છે? પ્રસિદ્ધ વાર્તાકાર ડો. જયંત ખત્રીએ કહ્યું છે એમ, બાળક ક્યારેય એકલું જન્મતું નથી, સંતાનની સાથે એક પિતાનો જન્મ પણ થતો હોય છે... અને પછી પિતૃત્વ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સતત પુરુષની સાથે રહે છે. માતૃત્વનો મહિમા ખૂબ થયો છે, હંમેશાં થતો રહ્યો છે. પિતૃત્વનો મહિમા કરવામાં કદાચ આપણે પાછળ રહી ગયા છીએ!!



એટલે જ કદાચ "લવ યુ પપ્પા" જેવું કદાચ એકાદ જ પુસ્તક, માતૃત્વ ગાથા ગાતા સેંકડો પુસ્તકો વચ્ચે સાહિત્યમાં અત્યારે ટટ્ટાર ઊભું છે!!



અન્ય એક પ્રસંગમાં, આઈએએસ અધિકારી અનિતા કરવલે પંદર વર્ષનાં હતાં ત્યારે એક નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. એમણે પપ્પાને કહ્યું કે, તમારું ઈંગ્લિશ ખૂબ જ સરસ છે. મને આ એક નિબંધ લખી દેશો, પ્લીઝ? પપ્પાએ એમને બહુ સરસ જવાબ આપ્યો: ‘બેટા, તું જિંદગીમાં એક જ વખત જીતવા માગે છે કે પછી હંંમેશાં જીતવા માગે છે? જો તારે સ્કૂલમાં આ વર્ષ પૂરતા જ શ્રેષ્ઠ નિબંધલેખક બનવું હશે તો હું જરુર નિબંધ લખી આપીશ, પણ જો તારે જીવનમાં એક ઉત્તમ લેખક બનવું હશે તો એની શરુઆત આજથી જ કરવી પડશે!’ 

એ વખતે કદાચ અનિતા કરવલેએ પપ્પાને કીધું પણ હશે, "પપ્પા તમે દર વખતે આમ જ કરો છો!! મમ્મી કેટલી વ્હાલી છે, મને કેટલું હેલ્પ કરે છે અને તમે મને જરા પણ હેલ્પ નથી કરતા! એટલે જ તમે મને નથી ગમતા, જાઓ!" આ હૃદયને ચીરી નાખે એવાં સંતાનના વેધક વાકબાણ લગભગ દરેક પપ્પાના હૃદયને રોજબરોજ ઘા પહોંચાડતા રહે છે. પણ કહે છે ને કે મર્દ કો દર્દ નહીં હોતા..!! ને પાછું આપણું સમૃદ્ધ સાહિત્ય જે પપ્પાને વ્યથા ઠાલવવા કે આક્રંદ-રુદન કે ઋજુ થઈ હૃદયનો ભાર હળવો કરવાની મંજૂરી ય નથી આપતું!! 

નાના-મોટા પ્રસંગે પિતાએ કહેલી આવી વાત કે એમના વર્તન-વ્યવહારમાંથી ઊપસતાં સત્યો પછી સંસ્કાર બનીને આજીવન આપણી સાથે રહેતાં હોય છે. અનિતા કરવલેએ આગળ જઈને પછી પોતાના આઈએએસ અધિકારી પતિની સાથે મળીને ‘થિન્ક એવરેસ્ટ’ નામનું સુંદર પુસ્તક લખ્યું

પુત્રી ભલે પરણીને બીજા ઘરે જતી રહે, પણ પિતા સાથેનો એનો સંંબંધ ક્યારેય ભીનાશ ગુમાવતો નથી. દીકરી ભડભાદર થઈ જાય તોય પપ્પાની ઢીંગલી જ રહે છે. એટલે જ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનાં દીકરી દષ્ટિ પટેલે કહ્યું છે કે, પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય! રેડિયો જોકી અદિતિએ તો પોતાના મોબાઈલની ફોનબુકમાં પપ્પાનું નામ જ ‘લવ યુ’ તરીકે સેવ કરેલું છે.

પણ દીકરાની દુનિયા જુદી છે. દીકરા સાથે પિતાનું સમીકરણ પણ જરા જુદું હોય છે. પત્રકાર કાના બાંટવા કહે છે કે હું નાનપણમાં બાપાની આંગળી પકડીને ફર્યો હોઉં એવું પણ મને યાદ નથી. જૂની પેઢીમાં પુરુષોમાં કદાચ સંતાનને ખૂલીને વહાલ કરવાનો રિવાજ નહીં હોય! પિતા-પુત્ર વચ્ચે લાગણીની અભિવ્યક્તિ બોલકી રીતે પ્રગટ થઈ શકતી નથી. 

જ્યારે અધ્યાપક-કોલમનિસ્ટ મુકેશ મોદી શબ્દો ચોર્યા વગર કહે છે કે નાનપણમાં એમણે વર્ષો સુધી પોતાના સીધાસાદા પિતાજી અંગે ક્ષોભ અનુભવ્યો છે. એમને થાય કે એ બીજાઓના પપ્પા જેવા મોડર્ન અને સરસ જોબ કરતા સધ્ધર આદમી કેમ નથી? એવો પ્રસંગ જ ઊભો ન થવા દે કે બાપુજીએ સ્કૂલે આવવું પડે. ધોતિયું અને ખમીસ પહરેલા બાપા શાળાએ આવે તો કેવું લાગે! અલબત્ત, સમયની સાથે સમજદારી આવતી ગઈ અને પિતાજીને નિહાળતી દષ્ટિ બદલાતી ગઈ. એ લખે છે: ‘બાપુજી માટે ‘લવ યુ ડેડી’ એવો ભાવ નીકળતો નથી. મમ્મી માટે ‘લવ યુ મમ્મી’ સ્વાભાવિક હશે. પપ્પા માટે મને લવ કરતાં હવે "સેલ્યુટ" શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે.’


એટલે જ કહે છેને કે માતા પગ ધરતી છે તો પિતા માથા પરનું આસમાન.  ‘મા લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી.’



કદાચ આ કઠોર હૃદયી, મધ્યાહ્નના સૂરજના તાપ જેવો આકરો લાગતો, સંસારના બે છેડા ભેગા કરીને ઘર સુધી એની ગાંઠ પહોંચતી કરવા મથી રહેલો આ "પપ્પા" સંતાનને કદાચ એટલે જ ગમતો નથી હોતો...!! પણ પપ્પાને અંદર એ વાતની ખુશી તો હોય જ છે કે દીકરા મારા પ્રત્યેનો અણગમો જ તને જાણે અજાણે "મા" તરફ આકર્ષી રહ્યો છે ને એ ખૂબ જ જરૂરી છે!! આ ભાવ આપણા ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ ઓછું ચર્ચાયો છે!!



મોટે ભાગે સંતાનને ત્યારે "નહીં ગમતા પપ્પા" નું મૂલ્ય સમજાય છે જ્યારે એ પોતે પપ્પા બની ચુક્યો હોય છે. અને કઠોર હૃદયી લાગતા પપ્પા જીવનની અવિસ્મરણીય યાદો અને સલાહો આપતી તસ્વીર સ્વરૂપે દીવાલ પર ટીંગાઈ ગયા હોય છે!!


અને છેલ્લે:

"પપ્પા" ભલે દિવસના અંતે ગણતરીની પળો માટે સંતાનનું મુખ જોઈ શકતા હશે, પણ એ હરહંમેશ પોતાના હસતા ખેલતા પરિવારને જોઈને પોતાની કઠીનાઈઓ-સંઘર્ષ ભૂલી જઇ પ્રભાતે નવા જોમ-જુસ્સા પૂરવા માટેનું આત્મબળ મેળવતો રહે છે!! એટલે જ હું દરેક સંતાનને કહીશ, આ ઉપરથી કઠોર અને માંહેથી મીઠા, મધુરા, ઋજુ (નારિયેળ જેવા) પપ્પા ને પણ મમ્મી જેટલા જ ગમાડજો, વ્હાલ કરજો ! અને મમ્મી, બા જોડે એમને તોલીને એવું કદીય ના કહેશો કે "પપ્પા તમે ગમતા નથી!" પપ્પા કદાચ બોલી નહીં શકે એટલે તમે અત્યારે જ એમને આ બળ પૂરું પાડજો.  જો જો પાછળથી તસ્વીર સામે પછી ક્યાંક આપનેય...........

- ડો. કાર્તિક ડી. શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...