Thursday, November 23, 2017

જીવન સંઘર્ષ


છેલ્લા ૫૦ વર્ષમાં સમગ્ર અમેરિકન પોલિટિશિયન્સના લેખનમાં સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને સફળ નીવડેલ આત્મકથા તરીકે 'ધ ગાર્ડિયન' નામક પ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન દ્વારા નવાજાયેલ 'ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર : અ સ્ટોરી ઓફ રેસ એન્ડ ઇન હેરિટન્સ' (૧૯૯૫) બરાક ઓબામાની પ્રેસિડન્ટ બન્યા પહેલાં લખાયેલ આત્મકથા છે, જે શ્વેત વિશ્વમાં વસતા અશ્વેત પ્રજાના સ્વપ્નોના એક અતિ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સમી છે. આ પુસ્તકે તેમના રાજનેતા તરીકેના વ્યક્તિત્વનો પાયો નાખેલો. નેશનલ ડેમોક્રેટીક પાર્ટીએ ૨૦૦૪ના પોતાના ઇલેક્શન મેનીફેસ્ટો તરીકે આ પુસ્તકને જાહેર કરેલું. વિશ્વના ઇતિહાસમાં આત્મકથાને મેનીફેસ્ટો જાહેર કરવાનો આ પ્રથમ કિસ્સો હતો. આ પુસ્તક વિશે નોબેલ વિજેતા ટોની મોરીસન લખે છે 'મારા મતે ઓબામા લેખક તરીકે સન્માનને પાત્ર છે. તેમનું આ પુસ્તક અદ્‌ભુત છે... જીવનની આંટીઘુંટી તથા પ્રસંગોને વર્ણવવાની તેમની યોગ્યતા, તથા વેદનાપૂર્ણ અનુભૂતિઓમાંથી અર્થ તારવવાની તેમની આવડત બેજોડ છે. પ્રસંગોના તાદૃશ વર્ણન માટે સંવાદોને પોતાના નેરેટિવમાં વણવાની તેમની ટેકનિક આશ્ચર્ય પમાડે છે ! કેમ કે આ બધું તો કોક નવલકથાકારને શોભે...! આવા પ્રવાહી લેખનની અપેક્ષા કોક રાજનેતા પાસે તો ન જ હોય... નિર્વિવાદપણે તેમની આ આત્મકથા રસપ્રદ તથા સ્મરણીય છે. આ એક સમગ્ર જનસમૂહની યાતનાઓ અને સ્વપ્નોનો દસ્તાવેજ આ પુસ્તકમાં વણાયેલ સંસ્મરણો લેખકના પોતાના છે અને માટે જ તે અનુઠા છે.' 

ઓબામાની આત્મકથાના તેમના પોતાના સ્વરમાં રેકોર્ડ કરાયેલ ઓડિયો પુસ્તકને ૨૦૦૬માં 'ગ્રેમી એવોર્ડ ફ્રોમ બેસ્ટ સ્પોકન વર્ડ આલ્બમ'નો પુરસ્કાર પણ મળેલો. તેમના ઘુંટાયેલ સ્વરે કરાયેલ ભાવવાહી વાંચને આ પુસ્તકને ઘણું લોકપ્રિય બનાવી દીધેલું. 'ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર' પુસ્તકોની યાદીમાં આ પુસ્તકનો સમાવેશ થયો હતો. પુસ્તકને મળેલ આવા આવકારથી ભાવવિભોર ઓબામાએ કહેલું 'આઈ ફેલ્ટ લાઈક ધ લકીએસ્ટ મેન અલાઈવ'

તેઓ લખે છે 'શિક્ષણના એ દિવસોમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે મને પ્રથમવાર બરાબર સમજાયું કે ઉચ્ચ શિક્ષણના શ્વેત જગતમાં અશ્વેત ત્વચા સાથે જીવવું કેટલું આકરું અને અપમાનભર્યું હતું... અશ્વેત મનુષ્ય એટલે કે જાણે કોઈક વિચિત્ર હાસ્યસ્પદ, ઘૃણાસ્પદ પ્રાણી. જેણે શ્વેત લોકો દ્વારા યુનિવર્સિટી કેમ્પસ પર થતી ઠેકડીઓ તથા અપમાનો હસતાં હસતાં સહેવાના હતા. અશ્વેતો પ્રત્યેની પોતાની આવી ક્રૂરતા વિશે શ્વેત સમાજને કોઈ જ સભાનતા ન હતી. કદાચ તેઓ એમ જ માનતા હતા કે અશ્વેતો ઘૃણા પામવા માટે જ જન્મ્યા હતા... આવા અપમાનો વચ્ચે પ્રારંભાયેલ મારું આત્મમંથન ગહન હતું. મારી જાતની મેં કરેલ પરિભાષા ભલે મારા અશ્વેતપણાથી પ્રારંભાતી હતી, પરંતુ મારે સાબિત કરવું હતું કે મારા એ અશ્વેતપણાથી પર પણ મારી આગવી ઓળખ હતી.' આવા હળહળતા અપમાન સહેનાર બરાક ઓબામા જ્યારે 'હાર્વર્ડ લૉ રિવ્યૂ'ના પ્રથમ અશ્વેત પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા ત્યારે તેને ખાતરી થઈ કે શ્વેત સમાજમાં પણ યોગ્યતાને જોરે અશ્વેત મનુષ્ય કોઈ સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ હતો. 'હાર્વર્ડ લૉ રિવ્યૂ'ની પબ્લિસિટીના ભાગરૂપે કોઈક અમેરિકન પ્રકાશકે તેમને પોતાના અશ્વેત અનુભવો લખવા એડવાન્સ રકમ આપી અને તે રકમના અંતર્ગત આ પુસ્તક લખાયું. વળી ૨૦૦૪ના તે જ અરસા દરમિયાન અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ઇલિનોઈ સ્ટેટના સેનેટરના ઇલેકશન માટે પોતાના કેન્ડિડેટ તરીકે જાહેર કર્યા. તેઓ લખે છે કે, 'રાજનૈતિક દિગ્ગજોનું માનવું હતું કે અશ્વેત ત્વચા ધરાવતો પરંતુ શિક્ષિત તેમ જ વિચારશીલ તેવો હું લાંબી રેસનો ઘોડો હતો.' 




ઓબામા ૨૦૦૪નું તે ઇલેકશન જીતી ગયા. ઇલિનોઈના ૪૦ વર્ષના ઇતિહાસમાં આવું ઇલેકશન જીતનાર તેઓ ત્રીજા અશ્વેત પુરુષ હતા. 'મારા આ પુસ્તકનો ઉપયોગ અમારી પાર્ટીના પોલિટિકલ મેનિફેસ્ટો તરીકે થયો. જેથી આ પુસ્તક અત્યંત લોકપ્રિય બની ગયું છે અને તેનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. હવે જ્યારે આ પુસ્તક મૂલવું છું તો લાગે છે કે મારી વાર્તામાં સત્ય અને તથ્ય પણ છે. મારે એ પણ સ્વીકારવું પડે કે આ પુસ્તક મારું પોતાનું લખાણ નથી. મેં કહેલ મારા જીવનના ઓરલ નેરેટિવને આ પુસ્તકમાં લખાણરૂપે પ્રસ્તુત કરાયું છે.' 


૧૯૯૫માં પ્રકાશિત આ આત્મકથા બરાક ઓબામાના જન્મથી લઈને ૧૯૮૮ એટલે કે હાર્વર્ડ લૉ સ્કૂલના એડમિશન સુધીની વાત કરે છે. ઓબામાનો જન્મ (૧૯૬૧) હોનોલૂલૂ, હવાઈમાં અશ્વેત મુસ્લિમ મૂળ ધરાવતા પિતા બરાક ઓબામા સિનિયર અને શ્વેત માતા, એન ડનહામના, પરિવારમાં થયેલો. બરાકના માતા-પિતાની પ્રથમ મુલાકાત હવાઈ યુનિવર્સિટીમાં થયેલી અને બંને કુટુંબના વિરોધ વચ્ચે આ યુવા પ્રેમીઓ પરણી ગયેલા. લગ્નના એક વર્ષ બાદ જન્મેલ ઓબામાના જન્મ સાથે તેઓ છૂટા પડી ગયેલા. ૧૯૬૪માં ઓબામાના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયેલા. આ દુઃખદ ઘટના બાદ પિતા અર્થશાસ્ત્રમાં પીએચડી કરવા હાર્વર્ડ યુનિવર્સિટી જતા રહેલા. અને ત્યાંથી ભણતર પતાવીને પોતાના મૂળ દેશ કેન્યામાં પાછા ફરેલા. બાળક ઓબામા પોતાના પિતા વિશે મા પાસેથી જે કંઈ સાંભળ્યું તે જ જાણતો હતો. થોડા વર્ષો બાદ ઓબામાની માતા તેમને પોતાની મા પાસે હવાઈમાં મૂકીને પોતાના બીજા પતિ સાથે ઇન્ડોનેશિયામાં સ્થિર થયેલી. 

પોતાની આત્મકથામાં ઓબામા લખે છે કે, ૧૯૭૧માં તે પ્રથમવાર પોતાના પિતાને મળ્યા હતા. તે ગાળામાં તેમના પિતા એક મહિના માટે હવાઈ આવ્યા હતા અને પિતા-પુત્રનો આ એક મહિનાનો સંબંધ યાદગાર હતો. નાનપણને સ્મરતાં ઓબામા લખે છે કે, તેમની શ્વેત માતા બાળક ઓબામાને સારું અંગ્રેજી ભણાવવા એટલી આગ્રહી હતી કે વર્ષો સુધી સવારે ચાર વાગે તે બાળક ઓબામાને જગાડીને, તેને ચા-નાસ્તો કરાવીને કરાવીને, બે કલાક અંગ્રેજી ભણાવતી. અને ત્યારબાદ જ પોતે નોકરી કરવા જતી. વળી ઓબામા એ પણ સ્મરે છે કે, એ વખતના હવાઈ ખાતેની સ્કૂલનો ઓબામા પાંચમો અશ્વેત વિદ્યાર્થી હતો. વળી મુસ્લિમ ધાર્મિક શિક્ષણ માટે તે મદરેસામાં પણ ભણવા જતો. સ્કૂલનું ભણતર પતાવી ઓબામાએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. આ વર્ષો દરમિયાન તેમના વ્યક્તિગત જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ હતા. પોતાની ઓળખ અંગેનો પ્રશ્ન ઓબામાને આ સમય દરમિયાન સતત સતાવતો રહ્યો અને તે મૂંઝવણમાંથી રાહત મેળવવા જે મળ્યા તે મિત્રોની સંગતમાં ઓબામા થોડા વર્ષો ખાતર દારૂ અને ડ્રગ્સની લતે પણ ચઢી ગયા. મા-બાપ વિનાનું જીવન જીવતા અને નાનીના આશરે મોટા થયેલ ઓબામાના યુવા જીવનમાં અસુરક્ષાનો ભાવ રહેતો. 


૧૯૮૨માં અચાનક જ ઓબામાને તેમના પિતાના અકસ્માતમાં મૃત્યુના સમાચાર મળ્યા. એક અશ્વેત મુસ્લિમ પિતા અને શ્વેત અમેરિકન માતાના પુત્ર એવા ઓબામાની આત્મકથા પોતાના પિતાના અચાનક મૃત્યુ દ્વારા ટ્રીગર થયેલ સ્મરણયાત્રા છે. 

આ એ જ પિતા હતા કે જેમને શ્વેત વિશ્વના આધિપત્ય તથા સત્તાના રહસ્યની જાણ હતી. જેમણે હાર્વર્ડથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી. તેઓ દૃઢપણે માનતા હતા કે કોઈપણ સત્તાના મૂળ જ્ઞાનમાં હોય છે. અને તેથી જ પોતાના પુત્રને ઉત્તમ શિક્ષણ મળે તેવી તેમની અભિલાષા હતી. 


(બરાબર એ જ રીતે જેમ મારા પિતાજીના અચાનક મૃત્યુ એ મારા નાનપણના સંગ્રહિત લેખો લખવા અને આજે આ થોડા ઘણાં શબ્દો લખવા પાછળનું પ્રેરણાબળ પૂરું પાડ્યું છે !!! અને બરાબર આ જ દ્રઢ માન્યતા તેઓ પણ ધરાવતા કે "કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પાછળનાં મૂળ એ ક્ષેત્ર તથા આપણી આજુબાજુ અસર કરતા સમગ્ર વિશ્વના ઉંડા જ્ઞાનમાં જ રહેલાં છે...! ને એનો બીજો કોઈ જ વિકલ્પ નથી..." ― આ એકદમ યાદ આવ્યું એટલે અહીં લખું છું!)

પિતાના મૃત્યુ તરત બાદ ઓબામા પોતાના પૈતૃક પક્ષના પરિવારજનોને મળવા કેન્યા ગયેલા. ત્યાં જઈને તેમણે પોતાના પિતાના જીવનની પીડા, સંઘર્ષ અને વેદનાને સમગ્ર અશ્વેત પ્રજાની અનુભૂતિ સાથે જોડાયેલ જોયેલી. તેમને સમજાયું હતું કે તેમણે હર પળ અનુભવેલ ઉપેક્ષા અને અવહેલના જેટલા તેમના હતાં તેટલા જ તેમના પિતાના અને સમગ્ર અશ્વેત પ્રજાના પણ હતા. વાસ્તવમાં દરેકે દરેક અશ્વેત પુત્ર પોતાના પિતાના સ્વપ્નોની મહત્ત્વાકાંક્ષા અને ભાર લઈને જ જીવતો હતો. આ જ દરેક અશ્વેત મનુષ્યને વારસામાં મળેલ મૂડી હતી. તેમની આત્મકથાના શીર્ષકની સાર્થકતા તેમના આ વિચાર સાથે સતત જોડાયેલી રહે છે. 


૨૦૦૪માં આ પુસ્તકના પુનઃ પ્રકાશન પ્રસંગે લેખક બરાક ઓબામા એક નવી પ્રસ્તાવના ઉમેરે છે. તેઓ લખે છે 'આ પુસ્તક લખાયા બાદ કેટકેટલું બની ગયું ? ૯/૧૧ની ઘટનાએ અમેરિકાના આત્મસંમાન પર અસહ્ય ઘા કર્યો. એ ઘટનાને વર્ણવવાની શક્તિ અને હિંમત કે આવડત મારામાં નથી. આ બનાવે મારા મુસ્લિમ નામને કારણે મને વ્યક્તિગત સ્તરે પણ ઘણી અસર કરી. એક સાચા અમેરિકન તરીકે આ આઘાત સહેવો મારા માટે ઘણો આકરો હતો. 

અને છેલ્લે: તેઓ લખે છે કે, પ્રસ્તાવનાનું સમાપન વ્યક્તિગત નોંધ સાથે કરું છું. આ પુસ્તકની લગભગ બધી જ ઘટનાઓના પાત્રો મારા જીવનનો અંશ રહ્યા છે. તેમાંનું એક મુખ્ય પાત્ર એટલે મારી મા કે જે હવે હયાત નથી. પુસ્તકના પ્રથમ પ્રકાશનના થોડા માસ બાદ જ કેન્સરના રોગને કારણે તે મૃત્યુ પામી. મારા આ પુસ્તકના પ્રથમ સંસ્કરણનું પ્રૂફ તેણે વાંચેલું. જો હું જાણતો હોત કે તે (માતા) મને આમ છોડી જશે, તો મેં મારા આ પુસ્તકમાં પિતાની અનુપસ્થિતિનું વિશ્લેષણ કર્યા કરતા મેં માની ઉપસ્થિતિનો ઉત્સવ ઉજવ્યો હોત. મારા શબ્દો મારા જીવનમાં પડેલ માની આ મોટી ખોટને વર્ણવી શકે તેમ નથી. મારા વ્યક્તિત્વમાં જે કંઈ સારા તત્ત્વો છે તે બધા જ મારી માએ મને આપેલ ભેટ છે. એક એવી ભેટ કે જેના માટે પૂરતો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી.' 



તા.ક. અશ્વેત પિતાના સ્વપ્નોનો ભાર લઈને જીવતા દરેકે દરેક અશ્વેત પુરુષના મનની વાત ઓછા-વત્તા અંશે આ આત્મકથા કરે છે. ઓબામાના જીવનમાં પિતાની અનુપસ્થિતિ, પરંતુ તેમના સ્વપ્નોની સતત હાજરી આ પુસ્તકનું મુખ્ય કથ્ય છે. એક રાજકીય પાર્ટીના મેનીફેસ્ટો બનનાર વિશ્વના આ એકમાત્ર પુસ્તકને સલામ. આ પુસ્તક મારા જેવા ઘણાં મિત્રોના જીવન સંઘર્ષનો એક અરીસો છે ને તેથીજ મનથી નજીક પણ છે.

- કાર્તિક દિલીપકુમાર શાહ


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...