Friday, October 26, 2018

જય ડાહ્યાભાઈ પંચાલ ઉર્ફ જયકિશન


ગયા શુક્રવારે આપણે જોયું કે એક ગુજરાતી યુવાન ધીરે ધીરે પોતાની મંઝિલ તરફ આગળ વધી રહ્યો છે. એ ભાઈ રોજ ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં આંટાફેરા કરી રહ્યા હતા. અહીં અચાનક એક બીજા છોકરા જોડે એની મુલાકાત થઇ જે એની જેમ જ રોજ અહીં કામ માટે આવતાં હતાં.  અને જેઓ પૃથ્વી થિયેટરમાં સંગીતકાર રામ ગાંગુલી સાથે કામગીરી બજાવતાં હતાં. આ ગુજરાતી યુવાનનું નામ હતું, જય (જયકિશન) ડાહ્યાભાઈ પંચાલ. અને જે છોકરા જોડે એની મુલાકાત આ ઓફિસમાં થઇ એનું નામ હતું શંકર રઘુવંશી!!

આ શંકર મુળ પંજાબના પણ સ્થાયી શરૂઆતના દિવસોમાં આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયા હતાં, જેમની ગઈકાલે એટલે કે 25મી ઓક્ટોબરે જ જન્મતિથિ ગઈ અને સંગીતકાર બનવા માટે મુંબઈ આવ્યાં હતાં. ત્યારે તેઓ પૃથ્વી થિયેટરમાં જોડાયાં હતાં. પૃથ્વી થિયેટરમાં સંગીત સાથે નાની મોટી ભૂમિકા પણ કરતાં હતાં. એક સમયે ઉપર જણાવ્યું એમ જય અને શંકર ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં મળી ગયાં. ધીરે ધીરે વાતચીત શરૂ થઈ. જયકિશને પોતાના મનની વાત કરી અને શંકરે પણ તેમના મનની વાત કરી. બંનેનું લક્ષ્ય એક જ હતું. શંકરે તરત જયને કહ્યું કે પૃથ્વી થિયેટર્સમાં હારમોનિયમ માસ્ટર્સની જરૂર છે. જયે હા કહી. શંકર જયને પાછા પૃથ્વીરાજ પાસે લઈ ગયાં. મુલાકાત કરાવી. રામ ગાંગુલી સાથે જય હારમોનિયમ વાદક તરીકે જોડાયાં. એ અરસામાં પણ રાજકપૂર એટલી જ ઉંમરના હતાં. અને આગ નામની ફિલ્મ બનાવી રહ્યો હતા. જેના સંગીતકાર પણ રામ ગાંગુલી હતાં. આ ફિલ્મમાં શંકરે કહીં કા દીપક કહાંકી લાલી ગીતમાં માછીમારની ભૂમિકા પણ કરી હતી. 

વિશ્વ મહેરા, પૃથ્વીરાજ કપૂરના સાળા અને રાજ- શમ્મી અને શશીકપૂરના મામા, જેઓ આર.કેના પ્રોડક્શન મેનેજર હતાં. અને રાજકપૂર નિર્મિત તમામે તમામ ફિલ્મનું પ્રોડક્શન કામ સંભાળતાં હતાં. તેઓ પૃથ્વી થિયેટર્સમાં પણ સક્રિય હતાં. 

જ્યારે રાજકપૂર આગ બનાવી રહ્યાં હતાં ત્યારે પણ વિશ્વ મહેરા રાજ સાથે હતાં. તેઓના કહેવા મુજબ ફિલ્મના ગીતોની રેકોર્ડિંગ ડિસ્ક તૈયાર કરવા માટે એચ.એમ.વી સ્ટુડિયોના ગીતનું પુનઃ રેકોર્ડિંગ કરાતું હતું. કારણ એ સમયે જે રેકર્ડ બનતી તે 78ની બનતી હતી. જેમાં માત્ર અઢી કે પોણા ત્રણ મિનિટનું ગીત રેકોર્ડ કરી શકાતું હતું. તે સમયે આગ ફિલ્મની જે રેકોર્ડ બજારમાં આવી હતી તેના પર સંગીતકાર રામગાંગુલીનું નામ હતું. જ્યારે ટ્યુન બાય શંકર-જયકિશનનાં નામ પ્રસિદ્ધ થયાં હતાં. 

વિશ્વ મહેરાના કહેવા મુજબ બરસાત ફિલ્મનું સંગીત પણ રામ ગાંગુલી જ તૈયાર કરી રહ્યાં હતાં. પરંતુ ત્યારે વિશ્વ મહેરાને કાને એવી વાત આવી કે રામ ગાંગુલી રાજકપૂરની ફિલ્મ માટે બનાવેલા ટ્યૂન કોઈ બીજાને આપી રહ્યાં છે. આ વાત વિશ્વ મહેરાએ રાજને કરી અને રાજ મુંઝવણમાં મુકાઈ ગયાં કે હવે કરવું શું? ત્યારે વિશ્વ મહેરાએ શંકર અને જયકિશનને સંગીતનું સુકાન સોંપવા માટેની સલાહ આપી. જે રાજે સ્વીકારી અને બરસાતના સંગીતકાર તરીકે શંકર-જયકિશન આવ્યાં. અને પહેલી જ ફિલ્મથી ફિલ્મ સંગીતની દુનિયામાં છવાઈ ગયાં. વિશ્વ મહેરાએ એમ પણ રાજકપૂરને જણાવ્યું હતું કે જે કંઈ બરસાતના ગીતોની તરજ બનાવી છે તે માત્ર અને માત્ર શંકર અને જયકિશને જ બનાવી છે. જે રામગાંગુલીએ એપૃવ માત્ર કરી છે. 

રાજ કપૂરે આગ પછી 1948માં પહેલવહેલી પોતાની ઓફિસ શરૂ કરી. 1949ના ઓક્ટોબરમાં બરસાત ફિલ્મનું મૂર્હત કર્યું અને રિલિઝ કર્યું એ પહેલા હવામાં ઉડતા જાયે, મેરા લાલ દુપટ્ટા મલમલકા, જીયા બેકરાર હે છાયી બહાર હૈ અને બરસાત મેં હમસે મીલે તુમ સજન ગીતો ગલીએ ગલીએ ગૂંઝતા થઈ ગયાં.

બરસાત ફિલ્મનું જે પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. તે બરસાત મેં હમસે મીલે તુમ સજન તુમસે મીલે હમ હતું. જેની સ્વરબદ્ધતા આપણા ગુજરાતી જયકિશને કરી હતી. રસાતથી જ રાજની ટીમમાં બે ગીતકાર જોડાયાં એક હતાં શૈલેન્દ્ર અને બીજા હતાં હસરત જયપુરી. શૈલેન્દ્રના ગીતોમાં  શુદ્ધ હિન્દી શબ્દોનો પ્રયોગ કરાતો હતો. જ્યારે હસરતના ગીતોમાં ઉર્દુ અને ફારસી શબ્દો બહુ સાંભળવા મળતાં હતાં. 

મોટે ભાગે હસરતના શબ્દોને જયકિશને તરજમાં બાંધ્યાં છે. હસરત જયકિશન વચ્ચેની ટ્યુનિંગ મોટેભાગે શંકર કંપોઝ કરતાં હતાં. પરંતુ આ વાત હિંદી સિનેમાના સંગીતપ્રેમીઓ કદાચ જાણતા નહીં હોય. આ બે વ્યક્તિ એકાકાર બનીને તેમનું કામ કરતા રહેતાં હતાં. 


હવે ફરી થોડી આડ વાત કરી લઈએ. જય એક કોલેજમાં, વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં જજ તરીકે ગયાં હતાં. જ્યાં પલ્લવી ગીત ગાવા આવી હતી. પલ્લવીના રૂપ પર જય વારી ગયાં હતાં. પલ્લવીના પિતાને પુત્ર જયકિશન જેવા ફિલ્મ વાળા સાથે લગ્ન કરે તે ગમતી વાત નહોતી. તેમણે વિરોધ કર્યો પરંતુ બંને પક્ષે પ્રેમની જબરી આગ લાગી. હતી. આખરે રાજકપૂર વચ્ચે પડ્યાં હતાં. તેઓ પલ્લવીના પિતા મરીવાલાને મળ્યાં હતાં, સમજાવ્યાં હતાં અને જય પલ્લવીનાં લગ્ન થયાં હતાં. જય પલ્લવીને ત્યાં સમય જતાં ચૈતન્ય, યોગેશ અને ભૈરવીનો જન્મ થયો હતો. 

 જોકે, સમય જતા શંકર-જયકિશનના સંબંધોમાં તડ પડવા લાગી હતી અને શારદા (આખું નામ શારદા રાજન આયંગર) નામની ગાયિકા માટે શંકરનો આગ્રહ જયકિશનને રુચ્યો નહીં. ૧૯૬૬માં આવેલી ‘સૂરજ’માં શારદાએ ગાયેલું ’તિતલી ઊડી, ઊડ જો ચલી’ લોકજીભે રમતું થઇ ગયું હોવા છતાં જયકિશન શારદાને ગાયિકા તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. શારદા જેમ જેમ શંકરજીની નિકટ આવતી ગઈ એમ એમ જયકિશન અને શંકરજી વચ્ચે અંતર વધતું ગયું. ૧૯૭૧માં જયકિશનના અકાળે થયેલા અવસાન સુધી આ અંતર કાયમ રહ્યું. ઓ.પી. નૈયર તેમ જ લક્ષ્મીકાંત પ્યારેલાલના વધી રહેલા પ્રભાવ વચ્ચે એકલા પડી ગયેલા શંકરના ભાગે નિષ્ફળતા વધુ અને સફળતા જૂજ જેવો હિસાબ રહેવા લાગ્યો. એસજે સાથે એક અનોખો ઈતિહાસ રચનાર રાજ કપૂરે પણ છેડો ફાડી નાખ્યો અને જયકિશનની વિદાય પછી આશરે ૨૩ ફિલ્મોમાં શંકર-જયકિશન તરીકે જ સંગીત આપનાર શંકરજીના નામે ગણીને ત્રણ હિટ ફિલ્મો પણ નહોતી. એક યુગનો જાણે અંત આવી ગયો.

1971માં જયકિશનનું વધુ દારૂની લતના કારણે અવસાન થયું હતું. 1971ના વરસમાં અંદાજ, જાને અનજાને, કલ આજ ઓર કલ, લાલ પત્થર, મેં સુંદર હું, પરદે કે પીછે, બેઈમાન, જેવી ઘણી ફિલ્મો રીલિઝ થઈ હતી. આશરે 80 જેટલી ફિલ્મોમાં આ જોડીએ સંગીત આપ્યું. તે પછી શંકરે જયકિશનના નામ સાથે 1975 સુઘી સંગીત આપવાનો પ્રયાસ કરી જોયો, આંખો આંખો મેં, નયના, રેશમ કી ડોરી, વચન, ઈન્ટરનેશનલ કુકસ સાજિશ, અને સંન્યાસી. ફિલ્મો રજુ થઈ. 1987ના એપ્રિલ મહિનાની 26 તારીખે શંકર પણ હાર્ટ એટેકમાં અવસાન પામ્યાં. ત્યારે તેમની સ્મશાન યાત્રામાં બહુ થોડા લોકો જોડાયાં હતાં. 

જયકિશન એક હળવાશ ભર્યાં માનવી હતા, સફેદ કોટ પેન્ટમાં જોવા એક લ્હાવો હતો. 

હવે એક રસપ્રદ કિસ્સો: સંગમ અમદાવાદમાં રજુ થયું ત્યારે રાજકપૂરના આશિક એવા રાજુ બુટપોલીશ કરનારના આગ્રહથી યુનિટ મણીનગર પર ઉતર્યુ હતું. ત્યારે પણ જયકિશનની ચાલમાં જે ઉત્સાહ હતો તે સાચે જ માણવા જેવો હતો.  બુટ પોલીશ કરનારા રાજુએ સૌને સત્કાર્યા ત્યારે પણ જય રાજુને ભેટી પડ્યાં હતાં. રાજુએ ધરેલો ચાનો કપ પ્રેમથી પી ગયાં હતાં!!

હિંદી ફિલ્મી ગીતોનો જાદુ એવો છે કે તેમાંથી કોઇ માણસ બાકાત ન રહી શકે. સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ જેવાં ધાર્મિક-આઘ્યાત્મિક ક્ષેત્રનાં વ્યક્તિત્વો પણ ફિલ્મસંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમાદર છૂપો રાખતાં નથી. સ્વામી સચ્ચિદાનંદ શંકર-જયકિશનના ચાહક. જયકિશનનું ગુજરાતીપણું અને ગુજરાતમાં મહારાષ્ટ્ર-બંગાળની જેમ કલાકારોની-સાહિત્યકારોની કદર થતી નથી એ સ્વામીના મનમાં બેસી ગયું હતું.

થોડા સમય પહેલાં તા. ૨૧-૫-૦૯ના ગુરૂવારે સવારે ૯ વાગ્યે વાંસદા ગામમાં સ્વામી સચ્ચિદાનંદ પ્રેરિત સમારંભમાં સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના આણંદજીભાઇએ જયકિશનની પ્રતિમા ખુલ્લી મુકી. (પ્રતિમાની તસવીર નીચે અને ઉપર છે!) આ કામમાં સ્વામીને હસરત જયપુરીના ગુજરાતી મિત્ર-સંગીતપ્રેમી ચંદુ બારદાનવાલા અને શંકર-જયકિશન પર પુસ્તક લખનારા અભ્યાસી ડૉ.પદ્મનાભ જોષીનો પણ ભરપૂર સહકાર મળ્યો છે. ડૉ.પદ્મનાભ જોષીએ લખેલી પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રગટ થઈ હતી...જેનું કવરપેજ પણ નીચે મુકું છું.

 

આજથી 40 વર્ષ પહેલા, સન 1968માં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનુ fusion કરીને “RAGA JAZZ Style” નામનો concept પૂરો પાડનાર સૌ પ્રથમ વ્યક્તિ એટલે જયકિશન. અને એ પણ ભારતમા. આ સમયે ફિલ્મ ઉધોગના સંગીતકારો કોઇ કારણોસર હડતાલ પર હતા. બધા જ સંગીતકારો ઘરે બેઠા હતા…આવામાં HMV ના શ્રી વિજયકિશોર દુબેના મનમાં એક પરિકલ્પનાનો જન્મ થયો અને તેમને આ વિશે શંકર-જયકિશનને વાત કરી. શંકરજીને આ વાત બહુ જામી નહી તેથી તેમને વિરોધ કર્યો. જયકિશને આ વાત યોગ્ય લાગી, તેઓએ શંકરજીના વિરોધ છતાં આ ચેલેંજ ઉપાડી લીધો અને કઇક ક્રીએટીવ કરવાનું નક્કી કર્યુ. આ વાતને સ્વીકારી લીધા બાદ તેમની આખી ટીમ કાર્યરત થઇ. લોકસત્તાના સહયોગથી પ્રાપ્ત થયેલ નીચેની તસ્વીરમા આ આખી ટીમનુ કામ જોઇ શકાય છે.


પ્રખ્યાત સિતારવાદક ઉસ્તાદ રઇઝ ખા, મશહૂર સેક્સોફોન વાદક મનોહર દાદા (કાળા ચશ્મા લગાયેલ મહાશય), ડ્રમ પર છે ડ્રમબોય ગોવિંદા અને જમણી બાજુ જયકિશનજી. આ સિવાય બીજા અન્ય વાદક કલાકારોએ પણ પોતાનુ હુનર બતાવ્યુ હતુ.
જેમા,
અનંત નૈયર તેમજ રમાકાંત (તબલા)
જોન પરેરા (Trumpet)
એ ડી ટ્રેવર્સ (Bass)
દિલીપ નાયક તેમજ કેસ્ટ્રો (Electric ગિટાર)
સુમંત (Flute)

એમાં સમાવિષ્ટ શાસ્ત્રીય રાગમાં પ્રસિધ્ધ રાગ તોડી, રાગ ભૈરવ, રાગ માલકૌંસ, રાગ કલાવતી, રાગ તિલક કામોદ, રાગ મલ્હાર, રાગ વૈરાગી, રાગ જયજયવંતી, રાગ મિશ્ર પીલૂ, રાગ શિવ રંજની તેમજ રાગ ભૈરવીનો સમાવેશ થાય છે.

બીજી બાજુ, રાજ કપૂરની ઓળખ પ્રસ્તાપિત કરવામાં શૈલેન્દ્રના શબ્દો મહત્ત્વના રહ્યા છે. ઓછા શબ્દોમાં જીવનની ફિલસૂફી બયાં કરવામાં તેમની દાદાગીરી હતી. કોઈને ખાસ ‘સંદેશ’ પહોંચાડવો હોય તો પણ તેઓ આવી જ શૈલી અપનાવતા. શંકર-જયકિશનના પરિચયમાં આવ્યા બાદ શંકર-જયકિશને તેમને કહ્યું હતું કે અમે તમને અન્ય સંગીતકારોની સાથે ઓળખાણ કરાવશું ને સાથે કામ કરશું. શંકર-જયકિશન તરફથી રાહ જોઈને કંટાળી ગયેલા શૈલેન્દ્રએ તેમને લખીને મોકલ્યું.

છોટી સી યે દુનિયા, પહેચાને રાસ્તે હૈ
કભી તો મિલોગે, કહીં તો મિલોગે
તો પૂછેંગે હાલ.

શંકર-જયકિશન આખો મામલો સમજી ગયા. તેમણે અન્ય નિર્માતાઓની ફિલ્મો કરતી વખતે શૈલેન્દ્રને સાથે રાખ્યા. શંકર-જયકિશને આ શબ્દો પર ધૂન તૈયાર કરી જે કિશોરકુમારે ગાઈ ફિલ્મ ‘રંગોલી’ માટે.

ગીતોની સુલભતા આજના જેવી સામાન્ય નહોતી ત્યારે શોખીનો પોતાની પસંદગીનાં ગીતો કેસેટમાં રેકોર્ડ કરાવતા. એ રીતે ચોક્કસ થીમ કે મૂડવાળા ગીતોનાં આલ્બમ તૈયાર મળતાં. આમાં સૌથી લોકપ્રિય પ્રકાર હતો HAUNTING MELODIES નો, જેને 'ભૂતિયાં' ગીતો કહી શકાય. આવાં ગીતો મોટે ભાગે સ્ત્રીસ્વરમાં રહેતાં, અને ખાસ કરીને લતા મંગેશકરે ગાયેલાં. રહસ્યમય (એટલે કે સસ્પેન્સ) ફિલ્મોમાં આવું એકાદ ગીત તેનું થીમ સોંગ બની રહેતું, અને ફિલ્મમાં કોઈ રહસ્યમય દુર્ઘટના બનવાની હોય કે બની ગઈ હોય એ પછી તે ગૂંજતું. 'મહલ'ના 'આયેગા આનેવાલા' પછી કદાચ આ ચલણ શરૂ થયું, અને ત્યાર પછી 'બીસ સાલ બાદ' (કહીં દીપ જલે કહીં દિલ), 'મેરા સાયા' (તૂ જહાં જહાં ચલેગા), 'વહ કૌન થી'(નૈના બરસે રીમઝીમ રીમઝીમ), 'કોહરા' (ઝૂમ ઝૂમ ઢલતી રાત), 'ગુમનામ' (ગુમનામ હૈ કોઈ) સહિત બીજી અનેક ફિલ્મો અને ગીતો આ શ્રેણીમાં મૂકી શકાય.

જે ફિલ્મ જ રહસ્યમય હોય, આખી ફિલ્મમાં ચોંકાવનારું પાર્શ્વસંગીત આવતું હોય એવી ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક કેવું હશે? આ સવાલનો એક જવાબ નથી. પ્રમાણમાં મોડી આવેલી (1971) 'પરદે કે પીછે'માં શંકર જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મમાં પણ આવું એક ગીત હતું 'તેરે બિન જીયા ના લાગે, આજા રે, આજા રે', જે લતાએ ગાયું હતું. મોટા ભાગનાં આ પ્રકારનાં ગીતોની જેમ જ તેની ગતિ ધીમી હતી અને ઈન્ટરલ્યૂડમાં સંગીત વડે રહસ્યમય વાતાવરણ ઊભું કરાયેલું.

પણ શંકર જયકીશને આ જ ફિલ્મની ધૂનનો ટાઈટલ મ્યુઝીકમાં ઉપયોગ કર્યો ત્યારે આખી વાત બદલાઈ ગઈ. આ આખી ધૂન એકદમ તેજ ગતિમાં અને પશ્ચિમી સંગીતની શૈલી ટાઈટલમાં વાગે છે. આપણને સતત એમ લાગે કે આ ધૂન કેમ જાણીતી લાગે છે, પણ પછી ખ્યાલ આવે કે ઓહો! આ તો 'તેરે બિન જીયા ના લાગે'ની ધૂન છે. 

મઝાની વાત એ છે કે બિલકુલ આ જ શૈલીનું ટાઈટલ મ્યુઝીક આ જોડીએ અગાઉ 'ગુમનામ'માં પણ આપ્યું હતું, જેના ટાઈટલમાં 'ગુમનામ હૈ કોઈ'ની ધૂન એકદમ તેજ ગતિએ અને પશ્ચિમી શૈલીના સંગીત સાથે વગાડવામાં આવી હતી. 

આપણને આવા “Indo-Jazz Recording” થી પરિચિત કરાવનાર અને મેલોડીયસ સંગીતથી તરબતર કરનાર શ્રી જયકિશનને સલામ !

રજુઆત: ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...