Thursday, October 11, 2018

મહેશ નરેશ



અદલ સોનારણ… અદલ સોનારણ…
અદલ સોનારણ… અદલ સોનારણ…


સોનારણ ફુલનો ગજરો રે મારી અદલ સોનારણ…
હેજી સોનારણ કાળજાનો કટકો રે મારી અદલ સોનારણ…



મહેશ-નરેશ... સિર્ફ નામ હી કાફી હૈ...

અવિનાશ વ્યાસ બાદ ગુજરાતી ગીતોમાં જો કોઈ અન્ય નામને યાદ કરવું હોય તો મહેશ-નરેશની જોડીને એ હરોળમાં મૂકવું જ પડે. એમના સંગીત અને સંગીત નાવીન્યને લીધે ગુજરાતી ફિલ્મોને એક આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. મહેશ-નરેશને બહુ નજીકથી જાણનારા લોકો એમના સંગીતની ક્વોલિટી માટે ક્યારેય શંકા કરી શકે નહીં... 

આ બેલડીએ ગુજરાતી ફિલ્મોને યાદગાર સંગીત વડે ન્યાલ કરી છે... ફિલ્મ મેરૂ મુળાંદેનું ઉપરોક્ત ગીત આજે પણ એટલું જ વખણાય છે અને ગવાય છે... નવરાત્રી વખતે પાર્ટી પ્લોટના કોમર્શિયલ ગરબામાં તમે જો ધ્યાનથી ગણતરી કરો તો મોટા ભાગના ગીતો મહેશ-નરેશના જ છે... મેરૂ-મુળાંદેનું બીજું એવું જ યાદગાર ગીત છે.... સાંવરિયા લઇ દે નવરંગની ચૂડી...
મહેશ-નરેશ એટલે રંકમાંથી રાજા બનેલા બે ભાઈઓ... 

મહેશભાઈ પહેલેથી જ સંગીતનો જીવ... નરેશભાઈનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ (મહેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન)... પણ મહેશ-નરેશની જોડી જાણે રામ-લક્ષ્મણની જેમ ઉપરથી બનીને જ આવી હતી...

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી... વખત જતા એ સરનેમ અભિનય અને સંગીતના ક્ષેત્રે સિક્કા જેવી બની ગઈ...

ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. આ ઘર હજી પણ નરેશ કનોડિયાએ યાદગીરી રીતે એમને એમ રાખ્યું છે. નરેશભાઈ આજે પણ પોતાના વતનથી ખૂબ જ લગાવ ધરાવે છે. આજે પણ જ્યારે નવું કામ કરવાનું હોય કે પછી ઘરમાં સારો પ્રસંગ હોય તો તે જરૂરથી ગામમાં આવેલા હરસિદ્ધ માતાના પગે લાગવા જાય છે. નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ મહેશ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી.... પહેલા જુનિયર જોની વોકર અથવા જોની જુનિયર તરીકે પરફોર્મ કરતા... ધીરે ધીરે અભિનયમાં ફાવટ આવી એટલે ગુજરાતી ફિલ્મો તરફ આવ્યાં... નરેશભાઈએ વેણીભાઈ શાહ (જો હું ભૂલ ન કરતો હોઉં તો)ની ફિલ્મ 'વેણીને આવ્યા ફૂલ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે.

હવે ફરી મૂળ વાત પર આવીએ... 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી કલાકાર હતા કે જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય. તેમણે એ વખતે આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં ધમાકેદાર સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. એ વખતે અવિનાશ વ્યાસ સિવાય લતા મંગેશકર અને આશા ભોંસલે જેવા ટોચના ગાયિકા પાસે ગીત ગવડાવવાનું ગજું માત્ર મહેશ-નરેશનું જ હતું...

મહેશભાઈ ના સ્વમુખે જ સાંભળેલી એક વાત કહું તો, જયારે મહેશભાઈ નાના હતા ત્યારથી જ સંગીતમાં રુચિ એમની રહેવા માંડેલી. એ વખતે અવિનાશ વ્યાસના ગીતો ધૂમ મચાવતા. એક ગીતના  રેકોર્ડિંગ વખતે કોરસમાં સૌ ગાતા હતા, ત્યારે આ બાળકનો અવાજ રૂંધાઇ જતો હતો. એક તો એ બાળક જીવ અને પાછું માઈક છેક ઉપર ફિટ કરેલું એટલે એનો અવાજ ત્યાં માઈક સુધી પહોંચતો જ નહોતો. આ જોઈ જેવો એનો વારો આવ્યો ગાવાનો અવિનાશ વ્યાસજીએ એને તેડીને, ઊંચકીને માઈક સુધી પહોંચાડી દીધો અને એનો અવાજ ન રૂંધાય અને સીધો માઈક સુધી પહોંચે એવી ગોઠવણ જાતે જ  ઓન ધ સ્પોટ કરી દીધી!! અવિનાશભાઈને મહેશ-નરેશ હમેંશા પિતાતુલ્ય જ ગણતા. એ જ પિતા તુલ્ય અવિનાશજીએ મહેશભાઈના મોંમાંથી માવો પણ ગાલ પર ટપલીઓ મારી કઢાવેલો છે...!!

અનેક સુપરહીટ ગીતો... ૧) ઓઢી રે ઓઢી ઓઢી રે, ઢોલા તારી ચુંદડી.. ૨) જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ... ૩) કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈને કહેવાય… હાય હાય.... આવા અનેક સુપરહીટ ગીતો આજે પણ ગણગણવાનું મન થાય છે. તમે ચંપો ને અમે કેળનું ટાઇટલ સોંગ તો અમર છે... આ ફિલ્મમાં તેમનું વાર્તા મુજબનું ધીર-ગંભીર સંગીત પણ બહુ જ મજાનું હતું...

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે "નીલી આંખે" નામની હિન્દી વિડિયો ફિલ્મમાં અને છોટા આદમી (નિર્દેશક : કૃષ્ણકાંત) નામની હિંદી ફિલ્મ પણ પણ સંગીત આપ્યું છે. આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, કરસન સાગઠિયા, જેવા દીગ્ગજોએ ગાયેલાં છે.

ગુજરાતી ફિલ્મ સંગીતનો ઈતિહાસ જ્યારે પણ ફરી ફરીને લખાશે ત્યારે મહેશ-નરેશ વિના એ અધૂરો જ રહેશે...

સંકલિત: કાર્તિક શાહ.

2 comments:

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...