Tuesday, November 27, 2018

તોટકાચાર્ય



સંતોના અનેક નામો પૈકીનું એક નામ છે જંગમ વિદ્યાપીઠ!!


જ્યાં વિદ્યાપીઠ હોય ત્યાં વિદ્યાર્થીઓ, લોહચુંબકની જેમ ખેંચાઈ આવે. મધપૂડો હોય ત્યાં મધમાખીને આમંત્રણ આપવાનું હોય ખરું?

ભગવાન શંકરાચાર્ય પાસે અનેક વિદ્યાપિપાસુ વિદ્યાર્થીઓ જ્ઞાનવારિનું પાન કરવા આવતા. તેમાંના એક હતા ગિરિ! ભણવામાં એ મોટો "ઢ"!! બીજા વિદ્યાર્થીઓ રમતવાતમાં જે સમજી લે તેને સમજતા આ ભાઈને લાખ પ્રયત્ન કરવા પડે. છતાં હૈયે વિદ્યા ન ચડે તે ન જ ચડે. 

પણ ઈશ્વરની લીલા અગમ્ય છે. એકને એક શક્તિ ઓછી આપે તો અન્ય કોઈ શક્તિ બમણી આપે છે.  આ ગિરિનું પણ એવું જ કૈક હતું. ભણવામાં ભલે એ ઢ  રહ્યો પણ સેવામાં એક્કો. કોઈનુંય કામ કરી આપવામાં તે ભારે આનંદ અનુભવે. તેમાંય ગુરુસેવામાં તો ખરેખર અજોડ.

ગુરુ કૈક આજ્ઞા કરે તે પહેલા તો તેમનું હૈયું વાંચીને હાર કોઈ સેવા કાર્ય ઉપાડી લેતો.પછી ગુરુને એને માટે મમતા કેમ ન હોય? એક વાર એવું બન્યું કે, ગુરુદેવના કપડાં ધોવા ગિરિ નદીએ ગયેલો. કોઈ કારણસર ધાર્યા કરતા વધુ વાર થઇ. 

બીજી બાજુ વિદ્યાઅધ્યયન નો સમય પણ થઇ ગયો હતો. શુક્રાચાર્ય પણ આસાન પાર બિરાજમાન હતા. કોણ નથી આવ્યું તે તપાસવા એમણે ચારે બાજુ નજર નાખી તો આ ગિરિ  નજરે ન ચડ્યો. એટલે તેઓએ એ અંગે શિષ્યોને પૃચ્છા કરી. 

પદ્મપાદ નામના શિષ્યે કહ્યું કે, " ગુરુદેવ,  નકામી છે. કેમ કે, આવશે તોયે તે અમારા સૌના મોઢા સૌ જોઈ રહેશે। બુદ્ધિને અને એને બાર ગાઉનું છેટું છે. એ આપનાથીએ ક્યાં અજાણ્યું છે ??"

શંકરાચાર્યે કહ્યું, " ભાઈ તારી વાત તો સાચી પરંતુ મારી દ્રષ્ટિએ તો બધાયે સરખા જ છે. એના આવ્યા પહેલા આપણે કાર્ય શરુ કરીએ તો એને માઠુ ના લાગે ? "

તો ય ગુરુદેવની આ વાત એ પદ્મપાદને ગળે  ન ઉતરી. વિવેક ખાતર પણ એ કઈ ના બોલ્યો.

બે-ત્રણ મિનિટ થઇ હશે ત્યાં તો ગિરિ  સામેથી આવતો જણાયો. મોડું થઇ ગયું હતું એટલે એ મોટા ડગલાં ભરતો હતો. ખભા ઉપર ગુરુદેવના કપડાં મુક્યા હતા.

તેના આવા દેદાર જજોઈ સૌ શિષ્યો મનમાં હસી પડ્યા. એક બટકબોલા શિષ્યથી ન રહેવાયું એટલે તેણે  વ્યંગમાં કહ્યું, " લ્યો, આ પધાર્યા આપણા ગિરિદેવ !! "

પણ ...ત્યાં તો નવાઈની વાત બની.જે ગિરિને કઈ કહેતા કઈ યાદ નહોતું રહેતું તે જ ગિરિ  વિશુદ્ધ સંસ્કૃતમાં, તોટક છંદમાં, મધુર સ્વરમાં, સ્વરચિત સ્તોત્રો બોલતો હતો!!

ચોમાસાની ઘોડાપૂરની માફક તેના હૈયામાં ઉર્મિઓનો ધોધમાર પ્રવાહ વહી રહ્યો હતો.
સૌ કોઈની આશ્ચર્ય વચ્ચે એક મૂંઝવણ બધાને થઈ : આ બધું આને વળી કોને શીખવાડ્યું?

ત્યાંતો પ્રેમ નીતરતી અમીનજરે શંકરાચાર્યે તેન આવકાર્યો.
"પધારો તોટકાચાર્ય !! તમારી જ રાહ જોવાઈ રહી છે !!"
પછી પોતાના તે દિવસના પ્રવચનમાં, પેલા જ્ઞાનઘમંડી શિષ્યોને સંબોધી ગુરુદેવે કહ્યું, "જુઓ, જ્ઞાન કે વિદ્યાનું ગુમાન નકામું છે!! પ્રભુએ દરેકને જુદી જુદી શક્તિઓ આપી છે. કોઈ શક્તિશાળી હોય તો કોઈ ભક્તિશાળી હોય પણ દરેકમાં કઈ ને કઈ સદ્ગુણ  તો હોય જ છે. 

શિષ્ય સમુદાય ભક્તિભાવે ગુરુદેવનું પ્રવચન સાંભળી રહ્યો. પ્રવચનોને અંતે બધા ગિરિને  ઘેરી વળ્યાં.

"અલ્યા ગિરિ, બીજી બધી વાત તો પછી નિરાંતે કરજે પહેલા એ કહે કે આ બધું નવું નવું તું ક્યાંથી શીખી લાવ્યો? "


"ભાઈ, હું તો ક્યાંય શીખવા નહોતો ગયો." ગિરિએ  ભોલે ભાવે કહ્યું: " મને તો જે કઈ મળ્યું છે તે તો ગુરુસેવાનો નફો છે. ગુરુકૃપા ઉતારે તો અશક્ય પણ શક્ય બને અને ઠોઠ પણ વિદ્વાન બને"

ત્યારથી આ ગિરિ  "તોટકાચાર્ય" ના નામે ઇતિહાસને પાને અમર બન્યો !!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...