Thursday, November 22, 2018

આપણું રાજચિહ્ન કયું? અશોકસ્તંભ કે અશોકચક્ર? ખરેખર, સાચું કે ખોટું?

ભારત સરકારનું રાજચિહ્ન કયું?
આપણું રાજચિહ્ન
આ પ્રશ્નનો સીધો અને સરળ જવાબ હોઈ શકે...અશોકસ્તંભ અથવા તો અશોકચક્ર. જે ઉપરનાં ચિત્રમાં છે, પણ શું એ જ સત્ય હકીકત છે? જો હું એમ કહું કે ના આ બંને જવાબો ખોટાં તો!! એટલે કે, ભારતનું રાજચિહ્ન કંઈક અલગ જ છે તો? ચાલો વાંચીએ આગળ અને જાણીએ શું હકીકત છે.


પ્રસ્તુત ચક્ર મૂળ સમ્રાટ અશોકના સારનાથના સિંહશીર્ષકવાળા સ્તંભનું છે. વારાણસી નજીક આવેલ સારનાથ બૌદ્ધ-જૈનોનું તીર્થ મનાય છે. ભગવાન બુદ્ધે સૌ પ્રથમ અહીં ધર્મચક્રપ્રવર્તન અર્થાત ધર્મોપદેશ આપેલ. જૈનોનાં 11માં તીર્થંકર શ્રેયાન્સનાથનું અહીં નિર્વાણ થયું હતું. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં 'ચાર આર્ય સત્ય' સમજાવ્યા હતાં. મૌર્ય સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનાં પ્રચાર-પ્રસાર અર્થે જે પ્રવૃત્તિઓ કરેલી તેમાં તેના સ્તંભનિર્માણનો પણ સમાવેશ થાય છે. ચીની પ્રવાસી ફાહ્યાને અશોકનાં 6 સ્તંભો જોયાનું નોંધ્યું છે!! પરંતુ સમ્રાટ હર્ષવર્ધનના સમય દરમ્યાન ભારત આવેલ ચીની પ્રવાસી હ્યુ એન સંગે 15 સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે!! આમાનો એક એ સારનાથનો સ્તંભ! તેનાં વર્ણન મુજબ 70 ફૂટ ઊંચો આ સ્તંભ વિશેષ રૂપે લિસ્સો હતો એટલે કે પોલિશડ હતો. તેમાંથી નિરંતર તેજ વહ્યા કરતું હતું. અર્થાત તેની લીસી ચળકતી સપાટી પરથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈ સ્તંભ ઝળહળતો રહેતો. લોકોને એમ વિશેષ પ્રકારની આકૃતિઓ પણ દ્રષ્ટિગોચર થતી. એટલું જ નહીં, આનાથી શુભ-અશુભ અસરો પણ જાણી શકાતી.

સારનાથ સ્તંભ અશોક સ્તંભોમાં સર્વશ્રેષ્ઠ છે. આનો સમગ્ર ભાગ (યષ્ટિ, પ્રતીક પદ્મ, વર્તુળાકાર ચરણચોકી, સિંહ પ્રતિમાઓ અને ધર્મચક્ર) "શિલાથબ" (પાષાણ-સ્તંભ)નું ઉત્તમ ઉદાહરણ છે. પ્રસ્તુત સ્તંભની ચોકી અને શીર્ષભાગ અત્યંત કલાત્મક અને ભાવપૂર્ણ છે! કોઈ સમયે 50 ફૂટ જેટલી તેની ઊંચાઈ રહી હશે, પરંતુ કોઈ પ્રાકૃતિક દુર્ઘટનામાં તે તૂટી જતાં તેનો શીર્ષભાગ નીચે પડી ગયેલ છે. સદભાગ્યે એ સલામત અને સુરક્ષિત છે અને સચવાયેલો પણ છે!! સ્તંભના ઉપરનાં ભાગની ચોકી ગોળાકાર છે!

પ્રસિદ્ધ કલાવિદ વાસુદેવશરણ અગ્રવાલના મતાનુસાર તેની કલ્પના દિગમંડલ કે ચક્રજાળ સ્વરૂપે કરાઈ છે. આ ચોકી ઉપર ચાર પશુ - વૃષભ, ગજ, અશ્વ, અને સિંહ તેમ જ ચાર નાના ચક્ર અંકિત છે. આ ચોકીની ઉપર સ્તંભનો શીર્ષ (top) ભાગ હતો, જેમાં ચાર વિપરીત દિશામાં મો રાખીને પરસ્પર પીઠ અડાડીને બેઠેલા ચાર સિંહો છે. ડો. અગ્રવાલના મતાનુસાર ચાર સિંહોની આ પરિકલ્પના ચક્રવર્તી સમ્રાટ અશોકનાં શક્તિ-સામર્થ્યની સૂચક છે. સિંહ-શીર્ષકની ઉપર અર્થાત સિંહોના મસ્તક પર એક મહાધર્મચક્ર સ્થાપિત હતું. જેમાં 32 આરા હતાં,  (આ યાદ રહે!!) પરંતુ અત્યારે તેના માત્ર 6 ટુકડાઓ ઉપલબ્ધ છે, જેના પર અશોકકાલીન કલાકૃતિઓની ચમક સ્પષ્ટતયા વર્તાય છે. અહીં સિંહશીર્ષક પર ધર્મચક્ર બતાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સંભવતઃ મહાત્મા બુદ્ધ દ્વારા સારનાથમાં ધર્મચક્રપ્રવર્તન કર્યાનો રહેલો છે!!

ડો. અગ્રવાલના મતાનુસાર સારનાથ સ્તંભનું સૌથી ઉપરનું ધર્મચક્ર તેના ધાર્મિક વિશ્વાસનું પરિચાયક છે. તો ચાર સિંહો તેની અજેય દુર્ઘર્ષ શક્તિનું પ્રતીક અને વચ્ચેના ચાર પશુઓ, ચક્ર વિવિધ સમાજ અને તેમાં રહેલી એકતાના દ્યોતક છે. સિંહોની આકૃતિઓ ભવ્ય, દર્શનીય અને ગૌરવપૂર્ણ છે. એમાં કલ્પના, યથાર્થતા અને સૌંદર્યનું અદભુત સમિશ્રણ છે. તેનું પ્રત્યેક અંગ અજીવ અને કલાત્મક છે. સિંહોની આ પ્રતિમાઓ વનરાજના રાજવી ગૌરવને તો પ્રકટ કરે જ છે, પરંતુ દર્શકોને તેના સ્વભાવની હિસંકતા યાદ અપાવતી નથી એ તેની વિશેષતા છે!! આ સિંહ પ્રતિમાઓ અશોકનાં વ્યક્તિત્વનું મૂર્તિમંત અંકન મનાય છે.

જ્હોન માર્શલ નોંધે છે કે શૈલી અને શિલ્પ બંને દ્રષ્ટિએ ભારતની કોઈ કૃતિ એના સમાન નથી!! ઘણું કરીને તેને પ્રાચીન વિશ્વની સર્વોત્તમ પશુપ્રતિમા માની શકાય!!

હવે, પ્રારંભમાં જે સવાલ નોંધ્યો અને એ મુજબ ભારતનું રાજચિહ્ન "અશોકચક્ર" નામથી ઓળખાય છે, પરંતુ ખરેખર એવું નથી!! હકીકતમાં સારનાથમાંથી પ્રાપ્ત અશોકનાં ઉપરોકત સિંહસ્તંભ પરથી તે લેવામાં આવેલું હોઈ "અશોકચક્ર"ના ભળતાં નામથી ઓળખાય છે, પણ વસ્તુતઃ ખરેખર તે ચક્ર અશોકનું નહીં પણ ભગવાન બુદ્ધનું છે. એનું સાચું નામ "ધર્મચક્ર" ( ધમ્મચક્ક ) છે અને ભગવાન બુદ્ધે સારનાથમાં મૃગવનમાં જે પહેલું પ્રવચન કર્યું તેમાં એમણે જ સ્વમુખે "ધર્મચક્ર પ્રવર્તન"નો બોધકારી એ શબ્દ પ્રથમ વાર વાપરેલો. ધર્મચક્રપ્રવર્તનનો બોધનો એ અર્થ હતો કે દેશમાં તલવાર શક્તિનું રાજ નહીં પણ ધર્મનું એટલે કે સત્ય અને કલ્યાણનું રાજ્ય સ્થાપવું. અશોકે પછી એ "ધર્મચક્ર" શબ્દને ભગવાન બુદ્ધના સમગ્ર ઉપદેશના સારરૂપ પ્રતીક તરીકે અપનાવ્યો અને તેની આકૃતિ પોતે રચેલા તમામ સ્મારકોની ટોચ પર મુકાવી!! તદાનુસાર સારનાથના સ્તંભમાં પણ ધર્મચક્ર હતું!!

પણ આપણી આજની રાજમુદ્રામાં કે રાજચિહ્નમાં જે છે તે તેનું સંપૂર્ણ અને સાચું રૂપ નથી!!. સારનાથના સ્તંભના મૂળ સ્વરૂપમાં તો સ્તંભના મથાળે ટોચ ઉપર પરસ્પર પીઠ અડાડીને ઉભેલા ચાર સિંહોની વચ્ચે એક મોટું ચક્ર મૂકેલું હતું અને તે જ મુખ્ય "ધર્મચક્ર" હતું!! હજુ આજે પણ એ ચાર સિંહોના મસ્તકોની વચ્ચેના ભાગમાં એ ચક્રને ધરી રાખતો દંડ બેસાડવા માટેનું આઠ ઇંચના વ્યાસનું એક મોટું છિદ્ર મોજુદ છે! ચાર સિંહો ધારણ કરી રાખેલું એ મૂળ ધર્મચક્ર કાળબળે ત્યાંથી તૂટી પડ્યું એના ટુકડા સારનાથના મ્યુઝિયમમાં સંગ્રહિત છે તે પરથી તે કેટલું વિશાળ હશે તેનો ખ્યાલ આવી શકે છે.

ભારત સરકારે સ્વીકારેલી રાજમુદ્રામાં આકૃતિમાં એ ધર્મચક્ર અગ્રસ્થાને નથી, બલ્કે ગૌણ અને ઉતરતા સુશોભનના સ્થાને છે. ચાર સિંહોની બેઠકના ફલક (abacus) પર ચોમેર કંદોરારૂપે હાથી, વૃષભ, અશ્વ અને સિંહ એમ ચાર પશુઓની વચ્ચે એ ચક્રની ચાર આકૃતિઓ સુશોભન રૂપે આવે છે, જ્યાં એ ચક્ર કરતાં તો પ્રાણીઓની આકૃતિ મોટી છે !! આમ આપણી રાજમુદ્રામાં કે રાજચિહ્નમાં ધર્મચક્ર એ તેના મૂળ અને મહત્વના સ્વરૂપમાં આજે નથી!! એ હશે ત્યારે કેવું હશે તે અહીં આપેલ ચિત્રમાં જોઈ શકાય છે.
મૂળ ધર્મચક્ર 32 આરા સાથેનું
બીજી એક હકીકત નોંધનીય છે કે અશોકસ્તંભના શિખર પર  સિંહ વડે ધારણ કરાયેલા મુખ્ય ધર્મચક્રને 32 આરા હતાં, જેની પ્રતીતિ સારનાથના મ્યુઝિયમમાં તેનાં સંગ્રહિત ભગ્નવશેષો પરથી એકદમ સ્પષ્ટ છે. જ્યારે ભારત સરકારે અપનાવેલા રાજમુદ્રામ 24 આરા છે!! (જે આપણાં રાષ્ટ્રધ્વજમાં પણ ઉતારાયેલા છે!!)

મૂળ ધર્મચક્રના 32 આરા તે બૌદ્ધ ધર્મનાં ગ્રંથોમાં વર્ણવાયેલા મહાપુરુષના 32 લક્ષણોના સૂચક છે! સ્વયંમ બુદ્ધ બત્રીસલક્ષણા અતિપુરુષ હતાં. આ 32 લક્ષણો બૌદ્ધ ધર્મના દિગ્ધનિકાય અને વિશુદ્ધિમગ ગ્રંથોમાં વર્ણવેલ છે. તો ભારતની રાજમુદ્રામાં અંકિત 24 આરા સમયચક્રના 24 કલાકના પ્રતીક હોવાનું મનાય છે.

પ્રસિદ્ધ ઇતિહાસવિદ ડો. રાધાકુમુદ મુખરજીએ સૂચવ્યું હતું કે અશોકે પ્રવર્તાવેલ ભગવાન બુદ્ધના ધર્મચક્રના મૂળ આદર્શને વફાદાર રહેવા માટે આપણે આપણી રાજમુદ્રામાં ફેરફાર કરીને ધર્મચક્રને તેના મૂળ તથા મહત્વના સ્વરૂપમાં અને સ્થાનમાં એટલેકે, સિંહોના ખભા પર સ્થાપવું જોઈએ!!

સંશોધન, સંકલન, માહિતી: ડો. કાર્તિક શાહ

આ માહિતી માટે વિશ્વસનીય સંદર્ભો ચકાસવામાં આવ્યા છે જે હું અહી રજુ કરું છું.
આધારસંદર્ભો: 
૧. શ્રી રામ ગોયલ, નંદ મૌર્ય સામ્રાજ્ય ઇતિહાસ, ૧૯૯૨
૨.સં. શિવકુમાર ગુપ્ત, પ્રાચીન ભારત ઇતિહાસ, ૧૯૯૯
૩. ઉદય નારાયણ રાય, ભારતીય કલા, ઇલાહાબાદ, ૨૦૦૬
૪. કુમાર, સળંગ અંક ૩૯૨, ઓગસ્ટ, ૧૯૫૬
૫. ડો. વાસુદેવશરણ અગ્રવાલ, ભારતીય કલા, બીજી એડિશન, ૧૯૭૭
૬. ઇતિહાસ અને પૌરાણિક સત્યો (એ ગપગોળા નથી), હસમુખ વ્યાસ, પહેલી આવૃત્તિ, ૨૦૧૪
૬. વેબસંશોધન

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...