સમજણ ને સજામુક્તિ

સમજણ ને સજામુક્તિ
ઈરાનના બાદશાહ નૌશીરવાન એક દિવસ ભોજન લઈ રહ્યા હતા. એમના અનેક માનીતા ગુલામો પૈકીનો એક હોશિયાર ગુલામ એમને ભોજન પીરસી રહ્યો હતો. ભોજન પીરસતાં પીરસતાં અચાનક જ ભૂલથી એક ખાદ્ય ચીજ બાદશાહના ભવ્ય પોષાક ઉપર પડી ગઈ અને બાદશાહના મગજની કમાન છટકી ! બાદશાહના ગુસ્સાને તો કોઈ રોકી શકે નહિ ! એમની લાલચોળ આંખો અને લાલઘુમ ચહેરો જોઈને ગુલામને થયું કે હવે તો મોત સિવાય કોઈ આરોવારો નથી !
પરંતુ બીજી જ પળે તે ગુલામે પોતાની ત્વરિત નિર્ણયશક્તિથી એક તરકીબ અજમાવી. જે મોટા થાળ દ્વારા તે જુદી જુદી ભોજનની ચીજો પીરસી રહ્યો હતો તે આખો જ થાળ તેણે બાદશાહ નૌશીરવાન ઉપર ઢોળી દીધો ! એથી બાદશાહ તો ડઘાઈ જ ગયો ! તેને થયું કે આ ગુલામ પાગલ થઈ ગયો છે ! તેણે તાડૂકીને કહ્યું : ‘તેં આ શું પાગલવેડા માંડ્યા છે ?’ જવાબમાં પેલા ગુલામે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું : ‘બાદશાહ સલામત, આપના કીમતી પોષાક ઉપર ફક્ત એક જ ચીજ ઢોળાઈ હોય અને આપ નામદાર મને ફાંસીની સજા ફરમાવો તો લોકો આપના એ હુકમની જરૂર ટીકા કરશે. પરંતુ આખો થાળ આપની ઉપર ઠાલવી દેવાથી મારો મોટો વાંક-ગુનો બધા જ યોગ્ય ઠેરવશે ! આપની બદબોઈ ના થાય એટલા ખાતર મેં આમ કર્યું છે !’ બાદશાહને ગુલામની ત્વરિત નિર્ણયશક્તિ અને ચતુરાઈ માટે માન ઉપજ્યું અને તેને સજામાંથી મુક્તિ આપી. 

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન