જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો: કિર્લોસ્કર (ભાગ ૩)
ગતાંકથી ચાલુ... લક્ષ્મણરાવ કિર્લોસ્કરે " કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ " નામે પબ્લિક લિમિટેડ કંપની સ્થાપી અને દ્રઢ નિર્ધાર સાથે ખાતરી આપતા કહ્યું, "જ્યાં સુધી કંપની ૯ ટકા ડિવિડન્ડ નહીં આપે ત્યાં સુધી પોતે એક પણ રૂપિયો મહેનતાણું કંપનીમાંથી નહીં લે...!" હવે આગળ... આ વાત હતી ઇ.સ. ૧૯૧૯-૨૦ની. આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. આ જ વર્ષે તેઓએ કંપનીના બીજા બે નવા ઉત્પાદનો બજારમાં મુક્યા. એક શેરડી પીલવાનું મશીન અને બીજું ડ્રિલિંગ મશીન!! આ ઉપરાંત, તેઓ ખેતીવાડીમાં ઉપયોગી એવા નાનામોટા સાધનો બજારમાં મુકતા જ રહયા. જો કે, હળનો ધંધો હજુ પણ મુખ્ય હતો. તેની માંગ અને સૂચનો મુજબ જરૂરી સુધારા વધારા કરી ક્રમશઃ નવી આવૃત્તિઓ બજારમાં મૂકી. કિર્લોસ્કરવાડી ત્રણ ત્રણ શિફ્ટમાં ધબકવા લાગી. પરિણામ સ્વરૂપ, કંપની સ્થપાયાના પહેલા જ વર્ષે ઇ.સ. ૧૯૨૧માં તમામ શેરહોલ્ડર માટે કંપનીએ ૬ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું! ડિવિડન્ડનો આ સિલસલો આજ સુધી ઇ.સ. ૨૦૧૯ સુધી અવિરત પણે ચાલુ જ છે. ઇ.સ. ૧૯૨૪માં અત્યાર સુધી વર્ષના સર્વાધિક ૪૦,૦૦૦ નંગ હળનું વેચાણ થયું!! આ ઉપરાંત કૂવામાંથી પાણી ખેંચવા માટેના ડીઝલ એન્જ...